દમણીઝાંપા સ્થિત પટેલ સ્ટ્રીટ દ્વારા છેલ્લા 32 વર્ષથી ધામધૂમથી ઉજવવામાં આવે છે તુલસી વિવાહ
ભરવાડ અને કંસારા સમાજને આ વર્ષે માતા પિતા બનવાનો મળ્યો લાહવો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી,તા.13: ભારતીય સંસ્કળતિના ધર્મ અને પરંપરા મુજબ દેવ ઉઠી અગિયારસના રોજ સૌ પ્રથમ શાલીગ્રામ અને તુલસીના વિવાહ ઉજવી હિન્દુ પરિવારો પોતાના માંગલિક કાર્યોની શરૂઆત કરે છે.
સવંત 2081 ના નુતન વર્ષમાં પારડી નગરના આંગણે દમણીઝાંપા પટેલ સ્ટ્રીટ દ્વારા સતત 32 માં વર્ષે તુલસી વિવાહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે વાસુદેવના સુપુત્ર શાલીગ્રામના માતા પિતા તરીકે સજુબેન તથા અરજણભાઈ ભરવાડ તથા મહારાણી શુદ્ધમતી અને વિદર્ભ નરેશની સુપુત્રી વૃંદા તુલસીજીના માતા-પિતા તરીકે દિપ્તીબેન અને હિરેનભાઈ કિશોરચંદ્ર કંસારાને લાભ મળ્યો હતો.
પારડી પોલીસ લાઈન પાછળ ગોકુળ સ્ટ્રીટ ખાતેથી ડી.જે.ના સથવારે સમાજના લોકો તથા ગ્રામજનો સાથે ધામધૂમથી નીકળેલ વરયાત્રા પારડી દમણીઝાંપા પટેલ સ્ટ્રીટ તુલસી કયારા ખાતે પહોંચી હતી. જ્યાં કંસારા સમાજ તથા પટેલ સ્ટ્રીટ અને પટેલ સ્ટ્રીટના યુવાનો તથા અન્ય ગામનો સહિત વરયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગોર મહારાજના કંઠે વૈદિક શ્લોકો સાથે લગ્ન સમારંભ યોજાયો હતો. જેનો ગ્રામજનો અને ઉપસ્થિત લોકોએ વૃંદા અને શાલીગ્રામના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.