(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના કલા કેન્દ્ર ખાતે આજથી ‘‘પી.એમ. વિશ્વકર્મા” યોજના અંતર્ગત ત્રણ દિવસીય સંઘપ્રદેશ સ્તરીય ‘પ્રદર્શની સહ-વેપાર મેળા’નોશુભારંભ સેલવાસના નિવાસી નાયબ કલેક્ટર શ્રી અમિત કુમારના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ અવસરે સેલવાસના નાયબ નિવાસી કલેક્ટર શ્રી અમિત કુમારે જણાવ્યું હતું કે, ‘‘પી.એમ.વિશ્વકર્મા” યોજનાનો વિસ્તાર કરવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી સંઘપ્રદેશ પ્રશાસન આવનાર એક વર્ષની અવધિમા વધુને વધુ પ્રયાસ કરશે. તેમણે એમ.એસ.એમ.ઈ. મંત્રાલય દ્વારા વિવિધ યોજનાઓ, ડિજિટલ માર્કેટિંગ, સ્વરોજગાર વગેરે વિષય પર પણ વિસ્તૃત જાણકારી આપી હતી.
આજના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે દમણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી સત્યેન્દ્ર કુમાર અને સેલવાસ ઇન્ડસ્ટ્રીઝ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી અતુલ શાહ દ્વારા સંઘપ્રદેશના વિવિધ જિલ્લામાં ‘‘પી.એમ. વિશ્વકર્મા” યોજનાના વિસ્તાર અને પ્રચાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રદર્શનનીનું આયોજન એમ.એસ.એમ.ઈ. વિકાસ કાર્યાલય- સેલવાસ એમ.એસ.એમ.ઈ. મંત્રાલય- ભારત સરકાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર – સેલવાસ અને દાનહ જિલ્લા પ્રશાસનના સહયોગથી કરવામાં આવ્યું છે. જેમાં પચાસ વિવિધ હસ્તશિલ્પ ઉત્પાદનોના સ્ટોલ લગાવવામાં આવ્યા છે.
આ પ્રદર્શનમાં આજે પહેલાં દિવસે મોટી સંખ્યામાં સામાન્ય જનતાએ પી.એમ. વિશ્વકર્મા કારીગરોના વિવિધ સ્ટોલોની મુલાકાત કરી હતી અને હસ્તશિલ્પ ઉત્પાદન, સિલાઈપોશાક,રમકડાં સહિતની વિવિધ વસ્તુઓની ખરીદી પણ કરી હતી. આ પ્રદર્શની ત્રણ દિવસ સુધી સેલવાસના કલા કેન્દ્ર ખાતે સવારે 11:00 વાગ્યાથી રાત્રે 09: 00વાગ્યા સુધી ચાલુ રહેશે. જેમાં સૌ મુલાકાતીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક છે.