દશ વર્ષથી ચાલતી શ્રી સારણેશ્વર ક્રેડિટ સોસાયટીની ઓફિસમાં ખંભાતી તાળા લાગી ગયા, રોકાણકારો-એજન્ટો સલવાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વાપીમાં પોન્ઝી સ્કીમ એક ક્રેડીટ સોસાયટી દ્વારા ચાલું કરીને સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયા લોભામણી લાલચ આપી ઉઘરાણું કરવામાં આવ્યું હતું. ક્રેડીટ સોસાયટીના સંચાલકો ઓફિસને ખંભાતી તાળા લગાડી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી વાપીથી ફરાર થયાની ચોંકાવનારી હકિકત પ્રકાશમાં આવી છે. રોકાણકારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ લખાવવાની તૈયારી શરૂ કરી છે. છેલ્લા દશ વર્ષથી ક્રેડીટ સોસાયટી બેંકની જેમ ચાલતી હતી.
વલસાડ જિલ્લામાં વલસાડ, ધરમપુર જેવા વિસ્તારોમાં લોભામણી સ્કીમ ચલાવીને રોકાણકારો પાસે ઈન્વેસ્ટમેન્ટ કરાવી ભૂગર્ભમાં ઉતરી જવાની વારંવાર બનતી ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેવી વધુ એક ઘટના વાપીમાં ઘટી છે. વાપીમાં શ્રી સારણેશ્વર ક્રેડીટ સોસાયટી નામની નાણાકીય ઓફિસ કાર્યરત કરવામાં આવી હતી. સંચાલકો દ્વારા પોન્ઝી સ્કીમ ચાલું કરાઈ હતી. જેમાં સેંકડો લોકો પાસે મોટા વળતરનીલાલચ આપી રૂપિયાનું ઉઘરાણું ક્રેડીટ સોસાયટી દ્વારા ચલાવાઈ રહ્યું છે. સ્કીમ ચલાવવા એજન્ટોની પણ નિમણૂંક કરી હતી. થોડો સમય ઓફિસ કાર્યરત રાખી લોકોનો વિશ્વાસ જીતવો શરૂ કર્યો હતો. બાદ આજે અચાનક શ્રી સારણેશ્વર ક્રેડીટ સોસાયટીની ઓફિસને ખંભાતી તાળા લાગી ગયાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયાનું ફુલેકું પેરવી ક્રેડીટ સોસાયટીના સંચાલકો ફરાર થયા હતા. આજે ઓફિસે રોકાણકારો એકઠા થયા હતા. સેંકડો લોકોએ લાખો રૂપિયા જમા કરાવ્યા હતા. રોકાણકારો એકત્ર થઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.