(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગના અધિકારીને જંગલી પક્ષીઓના વેપાર માટે હેરાફેરી થઈ રહી હોવાની મળેલ બાતમીના આધારે દાનહ અને ડીડી વાઈલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો મુંબઈની સંયુક્ત ટીમે રેડ પાડી હતી. જેમાં દાનહના દૂધની ગ્રામ પંચાયતના સભ્ય શ્રીમતી કૌશલ મોહનના પતિ મોહન કરપટને તેમના ઘરેથી અને દૂધની નજીક કરચોંડના ઉમરમાથા ખાતેથી એમના અન્ય એક સાથે ઉત્તમ મનસુ મહેલ- રહેવાસી દુન્દ્રી પાડા, દપાડાની જીવંત ઘુવડ સાથે ધરપકડ કરી હતી. દાનહ વન વિભાગની ટીમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ધવલ ગાવિત, ડેપ્યુટી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી મનુ ડી. જીવલીયા, ફોરેસ્ટ ગાર્ડ શ્રી સચિન થોરાટ, શ્રી સુનિલ માહલા, શ્રી અક્ષય કદલી, શ્રી ધર્મેશ ગવળી, શ્રી મુન્ના નડગે અને શ્રી વિનય માહલા ડબ્લ્યુસીસીબી ટીમના સભ્ય હેડ કોન્સ્ટેબલ શ્રી નિતેશ રાઉત, શ્રી સુરેન્દ્ર મેશ્રામ તથા શ્રી રમેશ યસેપૂર્વ બાતમીના આધારે વન્ય પક્ષી ઘુવડનો ગેરકાયદે વેપાર કરતા વ્યક્તિઓને ઝડપી પાડવા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અત્રે યાદ રહે કે, સંરક્ષિત વન્યજીવનો શિકાર અને કબ્જો અને તેમના શરીરના અંગોનો ગેરકાયદેસર વેપાર એ બિનજામીન પાત્ર ગુનો છે. તેથી જો કોઈ દોષી સાબિત થાય છે તો તે આરોપીને સાત વર્ષ સુધીની સખત જેલની સજા થઈ શકે છે.
વન અધિકારીના જણાવ્યા પ્રમાણે કોમન બાર્ન ઘુવડ એ વ્યાપકપણે વિતરિત ઘુવડની પ્રજાતિ છે અને તે સામાન્ય રીતે ભારતીય ઉપખંડમા જોવા મળે છે. બાર્ન ઘુવડને વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ-1972 હેઠળ સંરક્ષિત જાહેર કરવામાં આવેલ છે અને સૂચિ-1 હેઠળ તે સૂચિબદ્ધ છે.
ઘુવડની હેરાફેરી કરનારા વ્યક્તિઓને ઝડપી પાડવાની સમગ્ર કામગીરી વન સંરક્ષક અને મુખ્ય વન્યજીવ વોર્ડન શ્રી બી. મોહનદાસ અને નાયબ વન સંરક્ષક શ્રી જોજુ પી. અલપ્પટ્ટના માર્ગદર્શનમાં કરવામાં આવી હતી. દાનહ વન વિભાગના અધિકારીઓ દ્વારા બન્ને વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી ઘુવડ પકડીને વેચનાર અને તેને ખરીદનાર ગ્રાહકને કોર્ટમાં રજૂ કર્યા હતા.
