વાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલીના દૂધની ગામ ખાતે આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ‘‘બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત લાઈફ સ્કિલ થીમ આધારિત વિદ્યાર્થીનીઓ માટે શાળા લેવલ પર રોજિંદા જીવનની વ્યવહારોમાં ઉપયોગી એવા કિચન ગાર્ડનિંગ, રસોઈબનાવવાની રેસિપી, બેઝિક ઈલેક્ટ્રીક નોલેજ, નાણાકીય સાક્ષરતા, બાળ અધિકાર અને પોક્સો, પારંપરિક સંસ્કૃતિ કલાઓ જેવા મહત્ત્વપૂર્ણ વિવિધ વિષયોના માર્ગદર્શન માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ પટેલની ઉપસ્થિતિમાં દૂધની ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમાં હાલમાં ઈલેક્ટ્રીક વિષયના શિક્ષક અને એલ.ઈ.ડી. બલ્બથી જાણીતા શ્રી સુનિલભાઈ ખાંજોડીયા અને 2001માં એસ.એસ.સી.માં ટોપર શ્રી શંકરભાઈ દોડીયા સહિતના આદિવાસી યુવાઓએ ઈલેક્ટ્રીક બેઝિક માહિતી શાળાના વિદ્યાર્થીઓને પુરી પાડી હતી.
આ અવસરે શ્રી સુનિલભાઈ ખાંજોડીયા અને શ્રી શંકરભાઈ દોડીયાએ જણાવ્યું હતું કે, અમે જે પણ કંઈક શીખ્યા છીએ એનો ઉપયોગ આપણાં સમાજને આગળ વધારવા માટે થાય તો અમારા માટે એના જેવી બીજી કોઈ મોટી ખુશી નથી. આ અવસરે શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.