મંત્રીશ્રીએ શહેરના વિકાસ માટે આશરે રૂ.52.5 કરોડના વિકાસ કાર્યોનું
પણ ખાતમુહૂર્ત કર્યું
વલસાડનો વિકાસ એ જ સૌનું ધ્યેય હોવું જોઈએ, દરેકે પોતાનો ફાળો આપવો જોઈએ – મંત્રી કનુભાઈ દેસાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.28: નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને કલેક્ટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં રૂ.21.35 કરોડના ખર્ચે નવ-નિર્માણ થનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે સાથે મંત્રીશ્રીએ વલસાડ શહેરના કુલ 15 કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરી કુલ રૂ.52.5 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી.
મંત્રીશ્રીએ નવા શાકભાજી માર્કેટ નિર્માણની દરેકને શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, વલસાડ નગરપાલિકા સૌથી જૂની નગરપાલિકાઓમાંથી એક છે. વર્ષ 2007 માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શહેરી વિકાસ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના બનાવી હતી. ત્યારબાદ નગરપાલિકાઓ વિકાસની રાહે આગળ વધી છે. પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતની નગરપાલિકાઓના વિકાસનોપાયો નાખ્યો હતો. આ શાકભાજી માર્કેટનું કાર્ય ઘણા સમયથી ઉપાડ્યું હતું પરંતુ તેના નિર્માણમાં અનેકવિધ તકલીફો પડી હતી. પરંતુ હવે દરેક સુધારાઓ સાથે આ કાર્ય શરૂ થયું છે. શાકભાજી માર્કેટના દુકાનદારો અને વેપારીઓનો ઉત્સાહ જોતાં એવું લાગે છે કે, આ કાર્ય ઘણી સારી રીતે અને સમયસર પૂર્ણ થશે અને અનેક લોકોને એનો લાભ પણ મળશે.
વધુમાં મંત્રીશ્રીએ અપીલ કરી હતી કે, વલસાડનો વિકાસ એ જ સૌનું ધ્યેય હોવું જોઈએ. વિકાસ માટે દરેકે પોતાનો ફાળો આપવો જ જોઈએ. વલસાડનો વધુ વિકાસ કરવો હોય તો સુંદર રીતે આયોજનો કરતાં રહેવું પડશે. હું ખાતરી આપું છું કે, મારી પાસે વલસાડના જે કામો આવશે તેનું ચોક્કસ આયોજન કરીશું. અબ્રામા ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવા રેલવે સાથે વાટાઘાટો ચાલે છે. એ મંજૂર થતા ટ્રાફિક સમસ્યાના પ્રશ્નો હલ થશે.
કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, વહીવટ્દાર અને પ્રાંત અધિકારી વિમલ પટેલ, સીટી ઈજનેર હિતેશ પટેલ, સંગઠન કાર્યકર્તાઓ, શાકભાજી માર્કેટ એસોશિયેશનના સભ્યો, દુકાનદારો, વેપારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
-000-