1988 બેચના નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી નરેન્દ્ર કુમારે પોતાના કાર્યકાળ દરમિયાન પ્રશાસનિક અને આર્થિક નીતિના ક્ષેત્રે લીધેલા વિવિધ નિર્ણયોની આજે પણ પ્રશાસનિક વર્તુળોમાં થતી પ્રશંસા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.10
કેન્દ્ર શાસિત પ્રદેશોદાદરા નગર હવેલી અને દમણ-દીવ, અંદામાન અને નિકોબાર તથા લક્ષદ્વીપના ચૂંટણી કમિશનર શ્રી નરેન્દ્ર કુમાર આજે દીવ નગરપાલિકાની ચૂંટણી સફળતાપૂર્વક સંપન્ન કર્યા બાદ સેવાનિવૃત્ત થયા છે.
શ્રી નરેન્દ્ર કુમારે કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર તરીકે દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતો, નગરપાલિકા તેમજ લક્ષદ્વીપ અને અંદામાનની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંપૂર્ણ નીતિ-નિયમો સાથે પૂર્ણ કરવા સફળ રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન યોજાયેલી દરેક ચૂંટણીમાં શાસક અને વિરોધ પક્ષ તથા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને પણ સંતોષ થયો હતો.
દીવ નગરપાલિકાની ચૂંટણી પણ સમયસર યોજી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા પણ તેઓ સફળ રહ્યા છે અને પોતાની નિવૃત્તિની પૂર્વ સંધ્યા પહેલાં વિજેતા ઉમેદવારોનું જાહેરનામું પણ બહાર પાડી પોતાની કાર્યનિષ્ઠાનો પણ પરિચય આપ્યો છે.
કારણ કે, ચૂંટણીનું પરિણામ 9મી જુલાઈ, 2022ના સવારના 11:00 વાગ્યા સુધી જાહેર થયું હતું અને વિજેતા ઉમેદવારોના નામ સાથેનું જાહેરનામું પણ સાંજ સુધી તેમણે બહાર પાડી દીધું હતું.
અત્રે યાદ રહે કે, શ્રી નરેન્દ્ર કુમારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકેના પોતાના ટૂંકા કાર્યકાળ દરમિયાનપ્રદેશના પોલીટિકલ અને લેન્ડ માફિયાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હતું. પરંતુ તત્કાલિન કોંગ્રેસ સરકારે પ્રશાસકશ્રીના મિશનમાં અડખીલી ઉભી કરી તેમને સમય પહેલાં જ બોલાવી લેવાયા હતા. જેના કારણે તેમણે શરૂ કરેલા સુધારાઓ અધુરા રહ્યા હતા.
દાદરા નગર હવેલીમાં ડીગ્રી કોલેજ સ્થાપવાનું ભગિરથ કાર્ય પણ શ્રી નરેન્દ્ર કુમારની હકારાત્મક અને શિક્ષણલક્ષી નીતિના કારણે શક્ય બન્યું હતું. કારણ કે, જે તે વખતે પ્રદેશમાં કોલેજની સ્થાપના બાબતે વિરોધ પણ કરાયો હતો.
ભારતીય પ્રશાસનિક સેવાના 1988 બેચના નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી શ્રી નરેન્દ્ર કુમાર પ્રશાસનિક અને આર્થિક નીતિમાં પણ પોતાની મહારથ ધરાવે છે. તેમના દ્વારા નીતિ-નિર્ધારણ માટે લેવાયેલા નિર્ણયોની આજે પણ પ્રશાસનિક વર્તુળોમાં પ્રશંસા કરવામાં આવે છે.