(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: કપરાડા તાલુકાના અદ્ભુત કુદરતી સૌંદર્ય ધરાવતાં કોલવેરા ગામે પ્રવાસન વિકાસને વધાવવાના પ્રયત્નોનો એક અનોખો માઇલસ્ટોન રચાયો છે. પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ અહીં વન કુટીર અને આકર્ષક સેલ્ફી પોઇન્ટના નિર્માણના ખાતમુહૂર્ત સાથે એ વિસ્તાર માટે નવા તબક્કાનો આરંભ થયો છે.
કપરાડા તાલુકાનું કોલવેરા ગામ માત્ર પ્રાકળતિક સંસાધનો માટે જ પ્રખ્યાત નથી પરંતુ ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. કોલક નદીના ઉદગમસ્થાન તરીકે ઓળખાતું આ સ્થળ સ્થાનિકો માટે પવિત્રગણાય છે. લોકો અહીં ડુંગર અને નદીની પૂજા કરે છે અને તેની સાથે જોડાયેલી લોકવાયકાઓથી પ્રેરણા લે છે. કોલવેરા ડુંગરનું તેના હરિયાળાં પહાડો, વહેતા ઝરણાં અને વાદળોથી ઘેરાયેલા દ્રશ્યોમાં છે, જે સાપુતારા અને વિલ્સન હિલ્સની યાદ અપાવે છે.
કોલવેરા ડુંગર પર નવી સુવિધાઓ સ્થાપિત કરવાના પ્રયાસોનું મુખ્ય ઉદ્દેશ એ છે કે અહીં પ્રવાસીઓ માટે એક અનોખું પર્યટન સ્થળ બનાવવું. વન કુટીરથી કુદરત સાથે જોડાવાની સાનુકૂળતા વધશે, જ્યારે સેલ્ફી પોઇન્ટ યુવાન પેઢી માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
વન કુટીર અને સેલ્ફી પોઇન્ટની રચના માટે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ નોંધપાત્ર પ્રયત્નો કર્યા છે. આ પ્રોજેક્ટ માત્ર પ્રવાસીઓને આકર્ષિત કરવાનું સાધન નહીં રહે, પરંતુ કપરાડાની પ્રકળતિને વિશ્વના પ્રવાસન નકશા પર લાવશે. વલસાડ જિલ્લાનું વિલ્સન હિલ અત્યાર સુધી એકમાત્ર હિલ સ્ટેશન તરીકે ઓળખાતું હતું, પણ હવે કોલવેરા ડુંગર પણ આ યાદીમાં શામેલ થઈ રહ્યું છે.
કોલવેરાના વિકાસના ફળો માત્ર પ્રવાસીઓ માટે મર્યાદિત નથી. આ પ્રવાસન સ્થળ સ્થાનિક લોકોને રોજગારી અને આર્થિક સુવિધા પૂરી પાડશે. વન કુટીર પર્યટકો માટે રહેઠાણની સગવડ સાથે સ્થાનિક હસ્તકલાકારોના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ માટેનોપ્લેટફોર્મ પૂરો પાડશે.
કોલવેરા હિલ સ્ટેશન આગામી દિવસોમાં પર્યટકો માટે એક લોકપ્રિય સ્થળ બનવાની શકયતા છે. તેની પ્રકળતિ, ધાર્મિક મહત્વ અને પ્રવાસન માટેની નવી સુવિધાઓને કારણે તે સાપુતારા અને અન્ય હિલ સ્ટેશનો સાથે સ્પર્ધા કરવા માટે સક્ષમ બનશે.
આમ, કપરાડા તાલુકાનું આ હવે માત્ર ગામડું ન રહેવા જઈ રહ્યું છે, પરંતુ એક વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવતું પ્રવાસન સ્થળ બને તેવા આશાવાદ સાથે આગળ વધી રહ્યું છે.