-
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું કરાયેલું સન્માનઃ ક્રિકેટના તેજસ્વી તારલા હેમાંગ પટેલ-દલવાડાનું પણ કરાયેલું અભિવાદન
-
સમાજને શક્તિશાળી બનાવવા શિક્ષણ જ અમોઘ શષાઃ આપસી ટાંટિયાખેંચ દૂર કરવા પણ કરાયેલી અરજ
-
દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ ડો. નાનુભાઈ પટેલની જર્જરિત રસ્તાઓ સામે જન પ્રતિનિધિઓને પોતાનો રાજધર્મ નિભાવવા આડકતરી ટકોર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27: આજે દમણ જિલ્લા કોળી પટેલ સમાજની પાંખ દમણ વિભાગ કોળી પટેલ કેળવણી વિકાસ મંડળ દ્વારા શિક્ષણ અને રમત ગમતની સ્પર્ધામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન માટેનો ખાસ કાર્યક્રમ ભેંસરોડ ખાતે સમાજના સોમનાથ ભવન ખાતેયોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 1 થી 9 તથા 11મા ધોરણમાં પોતાના વર્ગમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 10 અને 12 તથા 2022ના વર્ષમાં ડીગ્રી મળેલ હોય તેવા સમાજના તમામ વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ તથા મેડલ આપી સન્માનિત કરાયા હતા.
ક્રિકેટની રમતમાં સારો દેખાવ કરી સી.કે.નાયડુ ટ્રોફી તથા સૈયદ મુસ્તાક અલી ટી-ટ્વેન્ટી ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર શ્રી હેમાંગ મકન પટેલ, ગામ દલવાડાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી ચંચળબેન પટેલ રહ્યા હતા. જેઓ એક શિક્ષક હોવાની સાથે પ્રારંભથી જ કેળવણી મંડળના સલાહકાર તરીકે પણ કાર્યરત છે. તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પોતાની આગવી છટામાં સમાજમાં કન્યા કેળવણી ઉપર ભાર આપ્યો હતો. તેમણે દમણ જિલ્લા કોળી પટેલ સમાજમાંથી લગભગ વાંકડાની પ્રથા નાબૂદીના આરે પહોંચતા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે સમાજની કન્યા સહિત તમામને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી નવિનભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દમણમાં સૌથી મોટો કોળી પટેલ સમાજ છે. તેમણે સમાજને એક અને નેક બની આપસનીટાંટિયાખેંચ બંધ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શરૂ કરાયેલા વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોમાં વધુ ને વધુ બાળકો જોડાઈ તે દિશામાં કામ કરવા પણ સમાજના આગેવાનોને હાકલ કરી હતી.
દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ ડો. નાનુભાઈ પટેલે સમાજના ઉત્કર્ષ માટે ભણતરનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે રસ્તાઓની જર્જર હાલતના સંદર્ભમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને પોતાનો રાજધર્મ નિભાવવા પણ સલાહ આપી હતી. કેળવણી મંડળના ઉપ પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે આભાર વિધિ આટોપી હતી.
આ કાર્યક્રમમાં કોળી પટેલ સમાજના તમામ આગેવાનો, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.