(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: નવસારી એસ. ઓ .જી ની ટીમ ખેરગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારેધામધુમા ગામેથી લાકડા ભરેલ પીકઅપવાન પસાર થતી હોય તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વગર પાસ પરમિટ વિનાના 99125 રૂપિયાના 3765 કિલોગ્રામ ખેરના લાકડા અને પીકઅપવાન મળી 199125 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવા સાથે બે ઈસમોની અટકાયત કરી વન વિભાગને સોંપવામાં આવતા વન વિભાગ એ વધુ તપાસ હાથ ધરી છે.
ચીખલી વન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એસ.ઓ.જી.ની ટીમના આ.પ.કો. પ્રશાંતભાઈ, વિનોદભાઈ, જયેશભાઈ સહિતનો સ્ટાફ ખેરગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે ખેરગામ તાલુકાના ધામધુમા ગામેથી લાકડા ભરેલ નંબર વગરની પિકઅપવાન પસાર થતી હોય તેને અટકાવી તેની અંદર તપાસ કરતા તેમાંથી વગર પાસ પરમિટ વિનાના 99,125 રૂપિયાના 3765 કિલોગ્રામ ખેરના લાકડા અને નંબર વગરની પીકઅપની કિંમત એક લાખ રૂપિયા મળી કુલ 1,99,125 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉપરોક્ત ખેરના લાકડાનો જથ્થો ચુનીલાલ પટેલ( રહે માંડવખડક , તાલુકો ચીખલી) એ તેના પોતાના ખેતરમાંથી કપાવેલ હોય જે અર્જુનભાઈ નિછાભાઈ પટેલ (રહે.ગોડથલ, તાલુકા ચીખલી )ને વેચાણ આપવાનો નક્કી કરેલ હોય ઉપરોક્ત બંને સામે ભારતીય વન વિભાગ અધિનિયમ 1927 મુજબ વન વિભાગે ગુનો નોંધી તે બંનેની અટકાયત કરી તેનીપાસેથી 50000 રૂપિયા ડિપોઝિટ વસૂલ કરેલ છે. અને વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ચીખલી વન વિભાગના આર.એફ.ઓ. આકાશભાઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઉપરોક્ત બનાવવામાં ખેરના લાકડા સાથે બેની અટકાયત કરેલ છે. અને વધુ તપાસ ચાલુ છે. જરૂરી કાર્યવાહી પૂર્ણ થતા જ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.