તાલુકા પંચાયત સભ્ય દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: નોગામા વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય હીનાબેન અગ્રણી ઉમેશભાઈ ઉપરાંત જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઇટી સેલના ઇન્ચાર્જ દીપકભાઈ સોલંકી સહિતનાની ઉપસ્થિતિમાં મામલતદારને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગામના મીઠાકુવા ફળિયામાં બોર અને પાઇપ લાઈનનું કામ થઈ ગયેલ છે. અને ટાંકી, મોટર તેમજ કનેક્શનનું કામ બાકી છે. જેને બે વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી કામ પૂર્ણ થયેલ નથી. પાણી પુરવઠાના અધિકારીઓને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરેલ નથી.
નોગામા ગામના મીઠાકુવા ફળિયામાં પાણી પુરવઠાની યોજનાના અધૂરા કામથી લોકોને પીવાના પાણી માટે હાલાકી વેઠવાની નોબત આવી છે. આ ફળીયામાં 25-ની આસપાસ ઘરો સાથે અંદાજે 100-જેટલા લોકોની વસ્તી છે. અને આ વિસ્તારના લોકોએ ગામમાં બીજી ટાંકી છે. ત્યાંથી જાતે પાણી લેવાની નોબત આવી છે. અને ફળિયાના છેવાડે આવેલ જૂની ટાંકીમાંથી કયારેક પાણી આવી જાય તો તેનો ઉપયોગ કરતા હોયછે.
ઉપરોક્ત સ્થિતિમાં પાણી પુરવઠા દ્વારા ઝડપથી નોગામાં ગામે મીઠાકુવા ફળીયાની પાણીની યોજના પુરી કરી લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.
સ્થાનિક અગ્રણી ઉમેશભાઈના જણાવ્યાનુસાર અમારા ગામના મીઠાકુવા ફળીયાની અધૂરી યોજના અંગે બીલીમોરાના નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હતી. પરંતુ તેમણે હાલે વિજેલન્સની તપાસ ચાલુ હોય કઈ થાય તેમ નથી. તેઓ જવાબ આપી રહ્યા છે. ત્યારે હાલે અમે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી યોજના પુરી કરી લોકોને પાણી પૂરું પાડવા રજૂઆત કરી છે.