‘‘28 ટીમ, 1078 વીજ જોડાણ ચેકિંગ, 36 જેટલા વીજ ચોરી કરતા ઝડપાયા અને રૂા.21.6 લાખનો દંડ”
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.05
સુરત કોર્પોરેટ કચેરીના માર્ગદર્શન હેઠળ આજરોજ વહેલી સવારે પારડી તાલુકામાં વિજિલન્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વીજ વિભાગ દ્વારા પૂરતી તૈયારી સાથે 28 જેટલી ટીમો બનાવી તેને બે વિભાગમાં વહેંચી ગામોમાં અને શહેરી વિસ્તારમાં આવેલા ગામોમાં એક સાથે વહેલી સવારે1078 જેટલા વીજ જોડાણનું ચેકિંગ કરી ઠંડીની સીઝનમાં મીઠી નિંદર માણી રહેલા લોકોને પરસેવો વળી દીધો હતો.
પહેલી 17 ટીમોને રોહિણા, ખૂટેજ, ગોયમા, બરઈ, તરમાલિયા, આમળી, દશવાડાની જવાબદારી સોંપવામાં આવતા તેમણે 756 જેટલા વીજ જોડાણો ચેક કરી 25 જેટલા વીજ ચોરોને પકડી તેઓને રૂા.19.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એવી જ રીતે શહેરી વિસ્તારમાં આવતા ઉમરસાડી, બાલદા, સુખલાવ જેવા વિસ્તારમાં 11 જેટલી ટીમોએ દરોડા પાડી 322 જેટલા વીજ જોડાણોનું ચેકિંગ કરી 11 જેટલા વીજ ચોરોને ઝડપી રૂા.2.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આમ વિજિલન્સ દ્વારા પાડવામાં આવેલ પારડી વિસ્તારમાં વીજ ચોરીના દરોડામાં કુલ 1078 જેટલા વીજ જોડાણોનું ચેકિંગ કરી 36 જેટલા વીજ ચોરોને પકડી રૂા.21.60 લાખ જેટલો દંડ ફટકારવામાં આવતા સમગ્ર પારડી વિસ્તારમાં ફડફડાટ ફેલાઈ ગયો હતો.
વરસોથી સમયાંતરે વિજિલન્સ દ્વારા આવા અનેક વીજ ચોરીના દરોડાઓ પાડી વીજ ચોરોને પકડી મસમોટા દંડ વીજ કંપની વસુલતી આવી છે. અને કોઈક વાર નિર્દોસ પણ ભોગ બનતો હોય ત્યારે આધુનિકતાની દોડમાં વીજ કંપની પણ સામેલ થઈ ચોરી ન થઈ શકે એવા ઉપકરણો બનાવી વીજ ગ્રાહકોને આપે એ જરૂરી બન્યું છે જેથી ચોરી તો અટકશે જપરંતુ વીજ કંપનીને પણ વધુ આવક મળતા ફાયદો થશે.
પારડી સબ ડિવિઝનના એન્જીનીયર ડી.આઈ. નાયકે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ તમામ વીજ ચોરોની બિલોની ચકાસણી તેમજ અન્ય કાર્યવાહી કરી દંડની સાથે સાથે જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.