છેલ્લા સાત દિવસમાં 402 કેસ નોંધાયા : નવી ગાઈડલાઈનનો અમલ 31 જાન્યુઆરી સુધી ધો.1 થી 9 ના ઓફલાઈન વર્ગ બંધ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07
વલસાડ જિલ્લામાં કોરોના વાયરસનો બોમ્બ ફાટયા જેવી સ્થિતિ નિર્માણ પામી ચૂકી છે. શુક્રવારે જિલ્લામાં કોરોના એ ડેન્ઝર ઝોનમાં પ્રવેશી ચૂક્યો છે. 142 નવા સંક્રમિત પોઝિટિવ નોંધાતા જિલ્લાની સ્થિતિ હવે ચિંતાજનક બની ચૂકી છે. આ સપ્તાહમાં 402 જેટલા પોઝિટિવ કેસ નવા નોંધાયા છે.
વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં કોરોનાનુ વધી રહેલ સંક્રમણને ધ્યાને લઈ રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા પણ આજે જાહેર કરી દીધી હતી. તેમાં મહત્ત્વનો નિર્ણય એ લેવાયો છે કે આગામી 31 જાન્યુઆરી સુધી ધો.1 થી 9 ના ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું છે જ્યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. 10 શહેરોમાં 10 થી 6 વાગ્યા સુધી કર્ફયુ, દુકાનો બજાર રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોટલ રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે 10 વાગ્યા સુધી હોમ ડીલેવરી 11 વાગ્યા સુધી કરી શકાશે. સામાજીક પ્રસંગોમાં 400ની મંજૂરી, અંતિમ ક્રિયામાં 100ની મંજૂરીતેમજ સિનેમા, જીમ, સ્વિમીંગ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. વલસાડ જિલ્લામાં તંત્ર ઘોર નિંદ્રામાં પોઢતું રહ્યું ને કોરોનાએ માઝા મુકી દીધી છે ત્યારે સરકારે નહી પણ હવે (સ્વ) પોતાએ જ કાળજી રાખવી એ જ અંતિમ ઉપાય રહ્યો છે.