સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા કરાયેલી પહેલનું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.10
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 3જી જાન્યુઆરી, 2022ના રોજ આખા દેશમાં 15 થી 18 વયજૂથના કિશોર-કિશોરીઓને કોવિડ-19નું રસીકરણ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિશોર-કિશોરીઓના હિતમાં લેવામાં આવેલ નિર્ણય મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં તથા કલેક્ટર શ્રીમતી સલોની રાયની દેખરેખમાં કોવિડ-19ના રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નિર્દેશ મુજબ જિલ્લા પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાં અને સતત પ્રયાસોના પરિણામે દીવ જિલ્લામાં રસીકરણની પ્રારંભિક તારીખથી ફક્ત 5 દિવસોમાં 15 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના કિશોર અને કિશોરીઓ માટે 103.36 ટકા રસીકરણનું લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યું છે. આ પ્રકારે દીવ જિલ્લામાં 15 થી 18 વયજૂથના તમામ કિશોર અને કિશોરીઓને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રસીકરણ અભિયાનમાં તમામ કિશોર અને કિશોરીઓને જોશ અને હોંશથી ભાગ લીધો. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના માતા-પિતા અને કુટુંબીજનો, વિદ્યાલયોના મુખ્ય શિક્ષકો તથા આચાર્યોએ જાગરૂકતા બતાવી હતી. ઉપરાંત આરોગ્ય કર્મચારીઓએ પણ ઘણી મહેનત કરી હતી. યાદ રહે કે, દીવના 97 ટકા લોકોને બીજો ડોઝ પણ લગાવવામાં આવી ચુક્યો છે. આજથી આરોગ્ય કર્મચારીઓ, આગલી હરોળના કર્મચારીઓ અને 60 વર્ષ તથા તેનાથી વધારે વયના લોકોને પણ કોવિડ-19ના રસીનો બુસ્ટર ડોઝ આપવાની પણ શરૂઆત કરવામાં આવી છે. આ ઝૂંબેશમાં આરોગ્ય વિભાગ, શિક્ષણવિભાગને મહત્ત્વની ભૂમિકા રહી છે. આ પ્રકાર તમામના પ્રયત્નોથી દીવ જિલ્લામાં કોરોના રસીકરણનો ટારગેટ હાંસલ કરવામાં આવ્યો છે.