Vartman Pravah
Breaking Newsદમણ

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રા.પં.માં માતૃ અને વિદ્યા શક્‍તિ’નો સાક્ષાત્‍કાર

  • શિક્ષણ જ મહિલાઓને સશક્‍ત બનાવે છે : શિક્ષણ સચિવ અંકિતા આનંદ

  • બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઘરમાં હકારાત્‍મક વાતાવરણ પેદા કરવા દમણની સરકારી કોલેજના પ્રો.ડો. સંજય કુમારે આપેલી શિખામણ

  • છેવાડેના અને ઘરકામથી લઈ વિવિધ મહેનત, મજુરી કરી પોતાના પરિવારને બે પાંદડે કરનારી માતૃશક્‍તિનું કરાયેલું સન્‍માનઃ નિવૃત્ત આચાર્યા અરુણાબેન પરમારનું પણ થયું અભિવાદન

  • દમણવાડા પંચાયત વિસ્‍તારમાં ઉચ્‍ચ શૈક્ષણિક ક્ષેત્રે કાઠું કાઢી ડિગ્રી મેળવનાર મહિલાઓને પણ સન્‍માનિત કરાયા

  • (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08: દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે ‘વિશ્વ મહિલા દિવસ’ના ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં ‘માતૃ અને વિદ્યા શક્‍તિ’નો સાક્ષાત્‍કાર થયો હતો.
    આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદે જણાવ્‍યું હતું કે, તેમની આઈ.એ.એસ. તરીકેની સાત વર્ષની કારકિર્દીમાં પહેલી વખત છેવાડેની અને ઘરકામ કરી આગળ આવેલી મહિલાઓને સન્‍માનિત કરવાના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવાની તક મળી છે. તેમણે આ બાબતે દમણવાડા ગ્રામ પંચાયતના પ્રયાસની મુક્‍ત મને સરાહના કરી હતી.
    શિક્ષણસચિવ શ્રીમતી અંકિતા આનંદે ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરને ટાંકતા જણાવ્‍યું હતું કે, કોઈપણ સમાજની પ્રગતિ તે સમાજની મહિલાઓએ કરેલી પ્રગતિ ઉપરથી માપી શકાય છે. તેથી શિક્ષણ વિના સમાજ પરિવર્તન સંભવ નથી. તેમણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શિક્ષણના ક્ષેત્રે થયેલા પ્રયાસનો લાભ લેવા પણ આહ્‌વાન કર્યુ હતું. તેમણે મહિલાઓને કદમથી કદમ નહી, પરંતુ ખભાથી ખભો મેળવી પુરુષોની સાથે ચાલવા આહ્‌વાન કર્યુ હતું.
    શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદે પોતાની માતાને પ્રેરણામૂર્તિ ગણાવી સફળ થવા માટે સખત મહેનત કરવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, કોઈ બીજાની સ્‍પર્ધા નહીં પરંતુ સ્‍વયંની સ્‍પર્ધા કરી સારૂ પરિણામ મેળવવા કોશિષ કરવી જોઈએ.
    આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણની ગવર્નમેન્‍ટ કોલેજના પ્રો. ડો. સંજય કુમારે ઉપસ્‍થિત બહેનોને માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે, અગામી 28મી માર્ચથી ધો.10 અને ધો.1રના બોર્ડની પરિક્ષા શરૂ થઈ રહી છે. તેમણે ઘરમાં હકારાત્‍મક વાતાવરણ પેદા કરી પોતાના સંતાનોને સમયસર પૌષ્‍ટિક ખોરાક મળી રહે અને રાત્રે ઉજાગરા નહી કરે તેની કાળજી લેવા શિખામણ આપી હતી. તેમણે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણને કેન્‍દ્રમાં રાખી ચલાવવામાં આવી રહેલ ગતિ બદલ આનંદપ્રગટ કર્યો હતો અને સરપંચ શ્રી મુકેશ ગોસાવીના પ્રયાસોને બિરદાવ્‍યા હતા.
    આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, આજે સન્‍માનિત બહેનોના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે. તેમણે પંચાયત દ્વારા શરૂ કરવામાં આવેલા ગુટખા અને તંબાકુ મુક્‍ત અભિયાનમાં સક્રિય રીતે જોડાવા ઉપસ્‍થિત બહેનોને આહ્‌વાન કર્યુ હતું અને પંચાયતને પ્‍લાસ્‍ટિક મુક્‍ત કરવા પણ સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે સ્‍વચ્‍છતાની આદત બનાવી રાખવા પણ બહેનોને અરજ કરી હતી. સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના 16 મહિનાના કાર્યકાળમાં પંચાયતની થયેલ વિવિધ ક્ષેત્રની પ્રગતિની પણ ઝાંખી આપી હતી. આ પ્રસંગે પ્રારંભમાં ભાઠૈયાના ઉત્‍સાહી મહિલા કાર્યકર શ્રીમતી દિપીકાબેન ડી.પટેલ અને દમણના એકાઉન્‍ટ ઓફિસર શ્રીમતી શર્મિલાબેન ડી.પરમારે પણ પ્રાસંગિક ઉદ્‌બોધન આપ્‍યું હતું.
    પ્રારંભમાં માતૃશક્‍તિનું સન્‍માન શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ દ્વારા કરાયું હતું. દમણવાડા પંચાયત વિસ્‍તારની માતૃશક્‍તિમાં ભાઠૈયાના શ્રીમતી બબલીબેન કાંતિભાઈ પટેલ, ઢોલરના શ્રીમતી નસિમાબેન, ભામટી માહ્યાવંશી ફળિયાના શ્રીમતી લીલાબેન ખારવા, બારિયાવાડના શ્રીમતી બેબીબેન બારી, ભામટીના શ્રીમતી સુશીલાબેન દમણિયાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાંદમણની સરકારી પ્રાથમિક શાળાના નિવૃત્ત આચાર્યા શ્રીમતી અરુણાબેન પરમારનું પણ અભિવાદન કરવામાં આવ્‍યું હતું.
    વિદ્યા શક્‍તિ અંતર્ગત દમણવાડા પંચાયત વિસ્‍તારમાં ઉચ્‍ચ શિક્ષણ જેવું કે, એમ.ડી.એસ, એમ.બી.બી.એસ., બી.ડી.એસ., એમ.એસ.સી., બી.એસ.સી. નર્સિંગ, એલ.એલ.બી., એલ.એલ.એમ. જેવી પદવી મેળવનારી મહિલાઓનું પણ સન્‍માન કરાયું હતું.
    આ પ્રસંગે દમણ લીડ બેંકના મેનેજર શ્રી સુરેન્‍દ્ર કુમાર, દમણવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, પંચાયત સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના નિવૃત્ત મેનેજર શ્રી ગણેશભાઈ પટેલ, પંચાયતની સલાહકાર સમિતિના સભ્‍યો સહિત બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી પુષ્‍પા રાઠોડ ગોસાવીએ કર્યુ હતું અને આભાર વિધિ દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે આટોપી હતી.

Related posts

સેલવાસમાં રાજભાષા દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

નરોલી એરોકેર કંપનીમાં કામ કરતા કર્મચારીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

vartmanpravah

સ્‍વાધ્‍યાય પરિવારના લાખો યુવાનોના સ્વૈચ્છિક સહભાગથી પથનાટય દ્વારા ઉજવાઈ રહેલી જન્‍માષ્‍ટમી

vartmanpravah

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25 અંતર્ગત દમણઃ દુણેઠા ગ્રા.પં.ના સરપંચ સવિતાબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને સર્વાંગી વિકાસના જયઘોષ સાથે યોજાઈ ગ્રામસભા

vartmanpravah

Leave a Comment