October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

મુઘલો હોય કે અંગ્રેજો હોય આઝાદીની લડતમાં આદિવાસી સમાજનું યોગદાન અમૂલ્‍ય રહ્યું છેઃ સાંસદશ્રી ધવલભાઈ પટેલ

રૂ.8 કરોડ 32 લાખના 294 વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ.27 કરોડ 25 લાખના 176 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ઈ-તકતી દ્વારા કરાયુ

ખેડબ્રહ્માથી મુખ્‍યમંત્રીભુપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં યોજાયેલા રાજ્‍ય કક્ષાના કાર્યક્રમોનું સૌએ જીવંત પ્રસારણ નિહાળ્‍યુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ગામે લાલ ડુંગરી મેદાન પર વિશાળ આદિવાસી સમાજની જનમેદની વચ્‍ચે તા.9મી ઓગસ્‍ટે વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ અને લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે રૂ.8 કરોડ 32 લાખના 294 વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ.27 કરોડ 25 લાખના 176 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ઈ-તકતી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ વિકાસ કાર્યોને તાળીઓના ગડગડાટ સાથે આદિવાસી બાંધવોએ વધાવી લીધા હતા.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ વિશેષ પદેથી વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્‍છા પાઠવી જણાવ્‍યું કે, આદિવાસી સમાજને અંદરોઅંદર તોડવાનું કામ કેટલાક તત્‍વો દ્વારા ચાલી રહ્યું હતું પરંતુ તેઓ ફાવ્‍યા નહીં અને આજે પણ આદિવાસી સમાજની એકતા અને અખંડિતતા અકબંધ છે જેનો ગર્વ છે. આદિવાસી સમાજની હિન્‍દુ ધર્મ પ્રત્‍યેની આસ્‍થા બદલ પ્રમુખશ્રીએ આભાર વ્‍યક્‍ત કરી આદિવાસીસમાજની એકતા અને અખંડિતતાને બિરદાવી હતી.
કાર્યક્રમના અતિથિ વિશેષ પદેથી લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલે સમસ્‍ત આદિવાસી સમાજને ‘‘જય જોહાર, જય આદિવાસી”ના નારા સાથે સંબોધન કરી જણાવ્‍યું કે, આજના દિવસે આજે સમગ્ર વિશ્વ આદિવાસીઓની એકતાને જોઈ રહ્યું છે. મુઘલો હોય કે અંગ્રેજો હોય આઝાદીની લડતમાં આદિવાસી સમાજનું અમૂલ્‍ય યોગદાન રહ્યું છે. વર્ષ 1998 પહેલા આદિવાસી મંત્રાલય ન હતું પરંતુ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આદિવાસી મંત્રાલયનું ગઠન કર્યું હતું. આદિવાસી સમાજની 80 ટકા વસ્‍તી ગામડામાં રહે છે જેઓ માટે શિક્ષણ, આરોગ્‍ય, આવાસ, રસ્‍તા, પીવાનું પાણી, સિંચાઈનું પાણી અને વીજળી સહિતની પાયાની સુવિધા ઉપલબ્‍ધ કરાવી આદિવાસી સમાજનું જીવન ધોરણ ઉપર લાવી સમાજના મુખ્‍ય પ્રવાહમાં જોડ્‍યા છે. આ સિવાય આદિવાસી મ્‍યુઝિયમ અને ટ્રાયબલ યુનિવર્સિટની સ્‍થાપના કરવામાં આવી છે. વિકાસ કાર્યો પર ભાર મુકતા સાંસદએ જણાવ્‍યું કે, આજે અહીં રૂ.8 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને રૂ.27 કરોડના કામોનું ઈ- ખાતમુહૂર્ત કરાયું છે જેથી વધુ સુવિધાઓ ઉપલબ્‍ધ થશે. ‘‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત”ની જેમ ‘‘વિકસિત વલસાડ અને વિકસિત ધરમપુર”ની નેમસાર્થક થશે. વધુમાં તેમણે ખાતરી આપી કે, વિકાસ કાર્યોમાં જળ, જંગલ, જમીન અને પ્રકળતિને નુકશાન ન થાય તે રીતે વિકાસ કરીશું.
આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલે રાજ્‍ય સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે કરાયેલી કામગીરી વિશે જણાવ્‍યું કે, વનબંધુ કલ્‍યાણ યોજના-2 અંતર્ગત રાજ્‍યના આદિજાતિ વિસ્‍તારોના વિકાસ માટે રાજ્‍ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે વ્‍લ્‍ભ્‍ બજેટમાં કુલ રૂ.22,025 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આદિવાસી સમુદાયના લોકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે ચાલતી આદિજાતિ વિકાસ વિભાગ હસ્‍તકની અનુસૂચિત જનજાતિ કલ્‍યાણની યોજનાઓ માટે કુલ રૂ.4,374 કરોડ જેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે. ભૂતકાળમાં આદિવાસીઓના વિકાસ માટે રૂ.400 થી 500 કરોડ બજેટમાં ફાળવાતા હતા પરંતુ હાલમાં જ આપણા પારડીના ધારાસભ્‍ય અને રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ.એક લાખ કરોડની જોગવાઈ કરી છે. હાલ ધરમપુરમાં જ રૂ.15 કરોડના વિકાસ કાર્યોની કામગીરી ચાલી રહી છે.
આ પ્રસંગે ‘‘એક વૃક્ષ મા કે નામ” અભિયાન અંતર્ગત મહાનુભાવોના હસ્‍તે વૃક્ષારોપણ કરાયું હતું. આદિવાસી વાંજિતોના તાલે બિરસામુંડા અનેઆદિવાસી દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્‍યું હતું. ધરમપુરની એકલવ્‍ય મોડેલ રેસીડેન્‍સીયલ સ્‍કૂલના વિદ્યાર્થીઓએ આદિવાસી પરંપરાગતની ઓળખ સમાન ડાંગી નૃત્‍ય અને કપરાડાની આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ આદિવાસી તારપા નૃત્‍ય રજૂ કરતા સૌ મંત્રમુગ્‍ધ બન્‍યા હતા. આદિજાતિ વિકાસની યોજના અંગેની દસ્‍તાવેજી ફિલ્‍મ અને ખેડબ્રહ્મામાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં યોજાયેલા રાજ્‍યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું હતું. વિશિષ્ટ સિધ્‍ધિ મેળવનાર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરો મળી કુલ 24 નું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સરકારની વિવિધ યોજનાના 22 લાભાર્થીઓને સહાય તેમજ ચેકનું વિતરણ મહાનુભાવોના હસ્‍તે કરાયું હતું.
આ પ્રસંગે ગાંધીનગરથી આદિજાતિ વિભાગના ઉપસચિવ પી.એન.પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ પિયુષભાઈ માહલા, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ, સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ લીલાબેન, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા સહિત જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
સ્‍વાગત પ્રવચન વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે કર્યું હતું. જ્‍યારે આભારવિધિ ધરમપુરના પ્રાંત અધિકારીઅમિત ચૌધરીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરણાઈ સરકારી માધ્‍યમિક શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય તારેશ સોનીએ કરી હતી.

વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા આદિવાસી બાંધવો માટેની યોજનાના સાહિત્‍યનું વિતરણ કરાયુ

આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ અર્થે રાજ્‍ય સરકાર દ્વારા અનેકવિધ કલ્‍યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જે અંગેની પુસ્‍તિકાઓ તેમજ મેગેઝિન વખતો વખત રાજ્‍ય સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જેમાં સરકારની પ્રજાલક્ષી યોજનાઓ તેમજ સરકારની યોજનાનો લાભ લઈ આર્થિક રીતે પગભર થનાર લાભાર્થીઓની પ્રેરણાદાયી સાફલ્‍યગાથાનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેના થકી છેવાડાની પ્રજા સરકારની યોજનાથી વાકેફ થઈ તેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ શકે છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા ધરમપુર ખાતે આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે સરકારી યોજનાને સંલગ્ન સાહિત્‍યનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

હવે મારા પશુની સાર સંભાળ સારી રીતે રાખી શકીશઃ લાભાર્થી

કાર્યક્રમ દરમિયાન અનેક લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી જે પૈકી સ્‍વરોજગારી યોજના હેઠળ ધરમપુરના ઉકતા ગામના લાભાર્થી જિતેન્‍દ્ર બાબલુભાઈ ગાંવિતને રૂ. દોઢલાખનો ચેક આપવામાં આવ્‍યો હતો. જે અંગે લાભાર્થીએ હર્ષભેર જણાવ્‍યું કે, હું પશુપાલનનો વ્‍યવસાય કરૂં છું, મારી પાસે ચાર ગાય છે પરંતુ તેઓની સાર સંભાળ માટે તબેલો નથી. ખુલ્લામાં તાઢ કે તડકામાં બાંધવા પડતા હોય છે. મને સરકારની આ યોજનાની જાણ પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા થતા મે ઓનલાઈન અરજી કરી હતી. આજે મને આ યોજનાનો લાભ મળ્‍યો છે. હવે હું મારા પશુ માટે પાકુ બાંધકામ કરી તબેલો બનાવી શકીશ જેથી વધુ સારી રીતે પશુનો ઉછેર થઈ શકશે. જે બદલ હું રાજ્‍ય સરકારનો આભાર માનુ છું.

જો સરકાર વ્‍હારે ન આવતે તો મારા દીકરાનું કેનેડા વિદેશ અભ્‍યાસનું સપનુ સાકાર ન થાતઃ લાભાર્થી

આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે વિદેશ અભ્‍યાસ યોજનાનો લાભ મેળવનાર અન્‍ય એક લાભાર્થી રેખાબેન રણજીતભાઈ પટેલ (રહે. નનકવાડા, વલસાડ)એ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્‍યું કે, મારો 20 વર્ષીય દીકરો નૈતિકને વિદેશ અભ્‍યાસ માટે મોકલવુ એ અમારા જેવા મધ્‍યમ વર્ગના પરિવાર માટે એક સપનુ સમાન હતું. કેનેડામાં કમ્‍પ્‍યુટર સાયન્‍સના અભ્‍યાસ માટે ખાનગી તેમજ સરકારી બેંકમાં તપાસ કરતા 8 થી 12 ટકા વ્‍યાજ ભરવુ પડશે એવુ જણાવ્‍યું હતું. પરંતુ રાજ્‍ય સરકારની આ યોજના હેઠળ માત્ર 4 ટકા વાર્ષિક વ્‍યાજભરવાનું હોવાથી અમને ખૂબ જ રાહત થઈ છે. હવે મારા દીકરાને વિદેશ મોકલવાનુ સપનુ સાકાર થશે. જે બદલ હું રાજ્‍ય સરકારનો અંતઃકરણપૂર્વક આભાર માનુ છું.

Related posts

દમણ જિ.પં. દ્વારા આયોજીત ગ્રામીણ રમત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતની ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં જય સોપાની બારિયાવાડની ટીમ ચેમ્‍પિયનઃ ભાઠૈયા રનર્સ અપ

vartmanpravah

ચીખલીના મજીગામ પોસ્‍ટ ઓફિસમાં કથિત ગોબાચારીમાં પોસ્‍ટ વિભાગની ટીમ દ્વારા ખાતાધારકોના ઘરે ઘરે જઈને પાસ બુકોની કરાઈ રહેલી તપાસ

vartmanpravah

ચીખલી સિટી સરવે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડમાં મહિનાઓ સુધી ફેરફાર નોંધ પાડવામાં નહી આવતા અરજદારોને ધક્‍કા ખાવાની નોબત

vartmanpravah

તાળીઓની રમઝટ સાથે માતાજીના ગરબા રમતા આર.કે.દેસાઈ કોલેજ પરિવારના ખેલૈયાઓ

vartmanpravah

વલસાડ-ભિલાડ નેશનલ હાઈવે માટે પ્રબળ જનઆક્રોશ બાદ હાઈવે ઓથોરીટીએ ખાડાપુરાણ આરંભ્‍યું

vartmanpravah

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

vartmanpravah

Leave a Comment