April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વહીવટમાં ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની નીતિનો પડઘો શિક્ષણથી સમાજ પરિવર્તનનું સાક્ષી બનતું દાનહ અને દમણ-દીવ

  • દાનહ અને દમણ-દીવમાં છેલ્લા ત્રણ વર્ષથી એમ.બી.બી.એસ.માં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., ઈ.બી.સી. સમુદાયના 100 કરતા વધુ વિદ્યાર્થીઓને દર વર્ષે મળી રહેલો પ્રવેશ : બી.ઈ., નર્સિંગ, ટ્રીપલઆઈટી તથા પેરા મેડિકલ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના કારણે સામાજિક સમરસતા તરફ આગળ ધપી રહેલું દાનહ અને દમણ-દીવ

  • ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સરદાર પટેલ ઈન્‍સ્‍ટિટૂયટ ઓફ પબ્‍લિક એડમિનિસ્‍ટ્રેશન (સ્‍પિપા)માં દાનહ અને દમણ-દીવના ઈચ્‍છુક ઉમેદવારોને પણ તક મળે એવી વ્‍યવસ્‍થા કરવી જરૂરીઃ તો ભવિષ્‍યમાં દાનહ અને દમણ-દીવમાંથી પણ કોઈ આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ કે દાનિક્‍સ અધિકારી પણ બની શકશે

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઈતિહાસમાં પહેલી વખત વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ લગભગ દરેક પંચાયતો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડળ તથા વોર્ડ સુધી ઉજવી તેમના વિચારો લોકો સુધી પહોંચાડયા હતા. ક્‍યાંક ક્‍યાંક માત્ર ઔપચારિકતા પૂરતી ઉજવણી થઈ હતી. તોક્‍યાંક સંપૂર્ણ જવાબદારી સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ ઉજવવામાં આવી હતી.
સ્‍વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી વખત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોને આત્‍મસાત કરી કચડાયેલા, દબાયેલા, શોષિત અને આદિવાસી સમાજને સ્‍વમાન સાથે આત્‍મનિર્ભર કરવા શિક્ષણને પ્રોત્‍સાહન આપવાની નીતિ અપનાવી છે. જેનું સીધુ દૃષ્‍ટાંત દાદરા નગર હવેલી અને દમણ-દીવ છે.
ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મેડિકલ, એન્‍જિનિયરિંગ, નર્સિંગ, પેરામેડિકલ, ટ્રીપલઆઈટી જેવા અનેક અભ્‍યાસક્રમો શરૂ કરાયા છે. જેમાં દર વર્ષે અનુ.જાતિ, જનજાતિ અને ઓબીસી સમુદાયના અનેક વિદ્યાર્થીઓને મળી રહેલા પ્રવેશથી આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ સામાજિક સમરસતામાં અગ્રેસર બનશે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આંગણવાડીઓની કાયાપલટથી પ્રદેશમાં શૈક્ષણિક વાતાવરણ બનાવવાની શરૂઆત કરી છે. ખાનગી પ્રિ-પ્રાયમરી સ્‍કૂલોને પણ ટક્કર મારે એ પ્રકારની વ્‍યવસ્‍થા પ્રદેશની તમામ આંગણવાડીઓમાં કરવામાં આવી છે અને તેમનું નંદઘર એવું સુંદર નામકરણ પણ કરાયું છે. જેના કારણે નાના બાળકોને શિક્ષણ સાથે તાલમેલ સાધવાનું વાતાવરણ પણ સહજ મળે છે. જેનો ફાયદોતેમની શૈક્ષણિક કારકિર્દીમાં અવશ્‍ય થવાનો છે.
આજે નમો મેડિકલ કોલેજમાં છેલ્લા ત્રણ વર્ષથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી., ગરીબ સમુદાયના લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રવેશ મળે છે. જે પૈકીના બહુમતી વિદ્યાર્થીઓ પ્રદેશના ગ્રામ્‍ય વિસ્‍તારના છે. તેથી એવુ સ્‍પષ્‍ટપણે કહી શકાય કે ડો.બાબાસાહેબ આંબેડકરના વિચારોને સાર્થક કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ નિરંતર પ્રયાસરત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રત્‍યે રહેલી અમી દૃષ્‍ટિના કારણે શૈક્ષણિક ક્ષેત્રે પ્રદેશે છેલ્લા સાડા પાંચ વર્ષમાં ઘણા ઊંચા શિખરો સર કર્યા છે. હવે પ્રદેશના નવયુવાનો માટે પણ ભારતીય પ્રશાસનિક સેવાના દ્વાર ખુલે તે પ્રકારની વ્‍યવસ્‍થા કરવામાં આવે એ આજના સમયનો તકાજો છે. જેમા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ સરદાર પટેલ ઈન્‍સ્‍ટિટૂયટ ઓફ પબ્‍લિક એડમિનિસ્‍ટ્રેશન (સ્‍પિપા)માં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે, સરદાર પટેલ ઈન્‍સ્‍ટિટૂયટ ઓફ પબ્‍લિક એડમિનિસ્‍ટ્રેશન (સ્‍પિપા)માં પાંચેક જેટલી બેઠકો અનામત રાખવામાં આવે અને પાંચ બેઠકો ઉપર પસંદ થયેલા પ્રદેશના વિદ્યાર્થીઓનો ખર્ચ પણ પ્રશાસનદ્વારા ઉઠાવવામાં આવે તો આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના એકાદ-બે યુવાનો અવશ્‍ય આઈએએસ કે આઈપીએસનું સ્‍વપ્‍ન સાકાર કરી શકે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં યુપીએસસી જેવી સ્‍પર્ધાત્‍મક પરિક્ષા ક્રેક કરવાનું વાતાવરણ નથી. અહી સ્‍પર્ધાત્‍મક પરિક્ષાઓની તૈયારી માટેના કોચિંગ ક્‍લાસો પણ ઉપલબ્‍ધ નથી. તેથી સરદાર પટેલ ઈન્‍સ્‍ટિટૂયટ ઓફ પબ્‍લિક એડમિનિસ્‍ટ્રેશન (સ્‍પિપા)માં દાદરા નગર હવેલી અને દમણ-દીવના યુવાનોને પણ તક મળે એવી વ્‍યવસ્‍થા કરવામાં આવે તો ભવિષ્‍યમાં આ પ્રદેશના યુવાનો પણ પોતાની કાબેલિયત બતાવી શકે એમા કોઈ મિનમેખ નથી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવનું જોડાણ દેશના ગૃહ મંત્રાલય સાથે સીધી રીતે હોવાથી ફક્‍ત આઈએએસ, આઈપીએસ કે આઈઆરએસ જ નહી પરંતુ દાનિક્‍સ અધિકારી તરીકે પણ પ્રદેશના નવયુવાનોને ઉજળી તક મળી શકે છે. આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ફરજ બજાવી રહેલા કેટલાક અધિકારીઓએ સ્‍પિપામાં પ્રવેશ લઈ તાલીમ મેળવી હતી. જેનો ફાયદો દાદરા નગર હવેલી અને દમણ-દીવને પણ મળે તેવી ગોઠવણ માત્ર અને માત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આર્શીવાદથી પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ જ કરી શકે એમ છે. ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના બુદ્ધિજીવીઓ,લોક પ્રતિનિધિઓ, આગેવાનો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ વગેરેએ પણ પ્રદેશના વ્‍યાપક હિતને નજર સમક્ષ રાખી સરદાર પટેલ ઈન્‍સિટયુટ ઓફ પબ્‍લિક એડમિનિસ્‍ટ્રેશન(સ્‍પિપા)માં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ઓછામાં ઓછી પાંચ જેટલી બેઠકો ફાળવવાની વ્‍યવસ્‍થા કરવા પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને રજૂઆત કરવી જોઈએ.
સોમવારનું સત્‍ય :
જો તમારે વિકાસ અને તેના વિઝનને સમજવું હોય તો પોતાના પૂરા પરિવાર સાથે મોટી દમણના રામસેતુ બીચ રોડ ઉપર એક લટાર મારી આવજો અને બીચ રોડ ઉપર બનાવેલી બેઠક ઉપર બેસી ફક્‍ત દરિયાની લહેરનો આવતો અવાજ સાંભળજો. તમને સમજાય જશે કે વિકાસ અને તેનું વિઝન શું છે?

Related posts

વાપી નામધા ભવાની માતા મંદિરે અને ડુંગરા રામજી મંદિરમાં તસ્‍કરોનો હાથફેરો

vartmanpravah

કોંગ્રેસ નેતા અધીર રંજને રાષ્‍ટ્રપતિ માટે અશોભનીય શબ્‍દ પ્રયોગ કરતા ધરમપુર ભાજપ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

vartmanpravah

ભીમપોર પટેલ ફળિયા સ્‍થિત જલારામ મંદિરમાં 36મી શ્રી જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

vartmanpravah

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણમુક્‍ત કરવાનો કરેલો સંકલ્‍પ

vartmanpravah

કપરાડા-ધરમપુરમાં ફરજ બજાવતા જી.આર.ડી. જવાનો બે માસ પગારથી વંચિત : હોળીના તહેવારો બગડયા

vartmanpravah

Leave a Comment