Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલીમાં બે કલાકમાં ખાબકેલો પાંચ ઈંચ વરસાદઃ તાલુકાના અનેક માર્ગો પર પાણી ફરી વળ્‍યા

  • કાવેરી નદી કાંઠાના સાદકપોરના ગોલવાડ અને ખૂંધના નદી ફળિયામાં ફસાયેલા લોકોનું હેલિકોપ્‍ટર દ્વારા રેસ્‍ક્‍યૂ કરાયું

  • કાવેરી, ખરેરા અને અંબિકા નદીઓ ગાંડીતૂર બનતા અનેક ગામોમાં પાણી ઘૂસતા ભારે હાલાકી સર્જાઈ

ચીખલી(વંકા), તા.14: ચીખલી તાલુકામાં મેઘરાજાએ રોદ્ર સ્‍વરૂપ ધારણ કર્તા બારેમેધા ખાંગા થતા માર્ગો પરથી નદી વહેતી હોય તેવાદ્રશ્‍યો સર્જાયા હતા. અને ધોધમાર વરસાદ વચ્‍ચે જન જીવન પણ થંભી ગયું હતું. તાલુકામાં ગુરુવારના રોજ મળસ્‍કે ચારેક વાગ્‍યાના અરસામાં અચાનક મેઘરાજાનું જોર વધ્‍યું હતું અને તેમાં સતત વધારો થતાં સવારે આઠ વાગ્‍યાના બે કલાકમાં 128-મીમી જેટલો ધોધમાર વરસાદ ખાબકતા લોકમાતાઓ ગાંડીતુર બનવા સાથે ગ્રામ્‍ય વિસ્‍તારમાં નીરજ ખાડી,વાડ ખાડી, મરકી ખાડી, ફૂગર ખાડી,ગીતાવણી નદી, નાવણી નદી,કાલાખાડી સહિતની સ્‍થાનિક નદીઓમાં પણ ઘોડાપુર આવતા અનેક ગામોમાં પાણી પાણી થઈ ગયા હતા.અનેક વિસ્‍તાર બેટમાં ફેરવાયા હતા. તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી ગાંડીતુર બનતા અને ગતરોજ સપાટીમાં સતત વધારો થતાં બપોરે 32-ફૂટ પહોંચતા કાંઠાના ગામોના લોકો કફોડી સ્‍થિતિમાં મુકાયા હતા.કાવેરી નદીના તટ વર્તીય વિસ્‍તારના હરણગામના ડિસ્‍કો ફળીયા અને નદી ફળિયાનો વિસ્‍તાર બેટમાં ફેરવાતા અંદાજે બસોની આસપાસના ઘરોના લોકોનું સ્‍થળાંતર કરાવવા પડ્‍યું હતું. જ્‍યારે ખૂંધ અને સાદકપોરના ગોલવાડ વિસ્‍તારમાં પણ કાવેરી નદીના પુરના પાણીનો ધસમસતો પ્રવાહ ઘુસી જતા અને આ વિસ્‍તારમાં આઠેક ફૂટ જેટલા પાણી ભરાતા એનડીઆરએફની બે ટીમ બોલાવવી પડી હતી. અને ખૂંધના નદી ફળીયામાં, સાદકપોરનાગોલવાડમાંથી બારેક જેટલા લોકોને દમણ કોસ્‍ટગાર્ડના હેલિકોપ્‍ટર દ્વારા એરલીફટ કરી સલામત સ્‍થળે ખસેડાયા હતા. જ્‍યારે એનડીઆરએફની બે ટીમ દ્વારા 100થી વધુ લોકોને સલામત સ્‍થળે બહાર કઢાયા હતા. આ ઉપરાંત ચીખલીના નદી મહોલ્લામાં, તલાવચોરાના બ્રાહ્મણ ફળીયા,હોન્‍ડ ગામના ચોકી ફળીયા,ભાથીયા ફળીયા અને છતરિયા ફળીયામાં પણ કાવેરી નદીના પૂરના પાણી લોકોના ઘરમાં ઘુસી જતા લોકોનું સ્‍થળાંતર કરાવવું પડ્‍યું હતું. આ ઉપરાંત સમરોલી અને ઘેકટી ગામના કેટલાક વિસ્‍તારમાં પણ પાણી ફરી વળ્‍યાં હતા. કાંઠાના ગામોમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘર અને ઘરવખરી ને મોટાપાયે નુકસાન થયું હતું. લોકોએ પોતાના પશુઓને પણ સલામત સ્‍થળે ખસેડી લીધા હતા. હોન્‍ડ ગામે તો હાઈવેના સર્વિસ રોડ પર પશુઓની વ્‍યવસ્‍થા કરી હતી. આ ઉપરાંત કાવેરી નદી સ્‍થિત ચીખલીના રિવરફ્રન્‍ટ ઉપર પણ પાંચ ફૂટ થી વધુ પાણી ભરાતા મંદિરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જ્‍યારે ચીખલી સ્‍થિત અંતિમધામ પણ ગરકાવ થયું હતું. કુકેરી ગામે પણ અંતિમધામમાં કાવેરી નદીનો ધસમસતો પ્રવાહ ઘુસી જતા અંતિમધામનું ગોડાઉનનું છત ધરાશયી થવા સાથે બે હજાર મણથી આસપાસ લાકડા પણ તણાઈ ગયા હતા. જ્‍યારે સગડી પણ ભોંયભેંગી થઈગઈ હતી અને એક સમયે કુકેરી પાસેના પુલ ઉપર પણ પાણી ફરી વળતા એક સમયે ચીખલી-વાંસદા રોડ પરનો વાહન વ્‍યવહાર પણ બંધ થઈ ગયો હતો.
તાલુકાના સુરખાઈ, રાનકુવા સર્કલ પાસે પણ કેડ્‍સમાં પાણી એક સમયે ભરતા પરિસ્‍થિતિ વિકટ બની હતી. અને દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા હતા. તાલુકા મથક ચીખલીમાં વિજયનગર શોપિંગ સેન્‍ટરનું ભોય તળિયું પણ પાણીમાં અદ્રશ્‍ય થઈ ગયું હતું. ફડવેલ ગામમાં તળાવમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળતા શામળાદેવ ફળીયા, ભૂતિયા ટેકરા ફળીયામાં દસથી વધુ ઘરોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત નાવણી નદીનો લો-લેવલ કોઝવે ગરકાવ થતા આંબાબારી ફળિયાનો સંપર્ક સતત ચોથા દિવસે પણ કપાયેલો રહ્યો હતો. આ ઉપરાંત નાગજી ફળીયામાં પણ સાતેક ઘરોમાં પાણી ફરી વળ્‍યાં હતા.
રૂમલા ગામે પોલીસ ચોકીની આગળ કાંકરાપાર ડાબા કાંઠાની મુખ્‍ય નહેરમાં ધોવાણ થતા નહેરનું પાણી માર્ગ પરથી વહેતુ થઈ ગયું હતું.ખરેરા નદી પણ ગાંડીતુર બનતા મલિયાધરા સ્‍થિત અંતિમધામમાં પણ પાણી ઘુસી ગયા હતા. ઉપરાંત ધેજના ભુરી માંદણ વિસ્‍તારમાં પાણી ફરી વળતા ચીખલી-અટગામ માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થઈ ગયો હતો. આજે માર્ગ ઉપર તલાવચોરા પાસે કાવેરી નદીના પાણી ફરી વળ્‍યાં હતા.ધેજ બીડ પાસે પણ વાડખાડીનો લો-લેવલ પુલ ગરકાવ થયો હતો. ખરેરા નદી પરના આમધરા-મોગરાવાડી સ્‍થિત લો-લેવલ કોઝવે પણ પૂરના પાણીમાં અદ્રશ્‍ય થયો હતો.આ ઉપરાંત સાડકપોરના ગોલવાડ પાસે કાવેરી નદીના પાણી ફરી વળતા ચીખલી-ખેરગામ માર્ગ પણ બંધ થઈ ગયો હતો.ચીખલી ફડવેલ ઉમરકુઈ માર્ગ ઉપર ફડવેલમાં નાવણી નદીના પાણી ફરી વળતા આ વાંસદા તાલુકાને જોડતા માર્ગ પર પણ વાહન વ્‍યવહાર બંધ રહેવા સાથે સારવણી, અંબાચ, કાકડવેલ સહિતના ગામોનો સીધો સંપર્ક કપાયો હતો.
ચીખલી નજીકના સમરોલી અને મજીગામમાં કાલાખાડીનો ધસમસતો પ્રવાહ કચ્‍છી ચાલ અને હળપતિવાસમાં ફરી વળતા લોકોના ઘરમાં કેડ્‍સમાં પાણી ભરાતા ભારે નુકસાન થવા પામ્‍યું હતું. કચ્‍છી ચાલમાં એક ઘરમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જોકે વરસાદ ચાલુ હોવાથી ફાયર ફાઇટર આવે તે પૂર્વે કાબુમાં આવી ગઈ હતી.
વાંસદાના જૂજ અને કેલીયા ડેમ ઓવર.લો થતા અને ચીખલીમાં પણ ધોધમાર વરસાદ પડવા સાથે દરિયામાં ભરતી હોય તેવા સંજોગોમાં પૂરે ભારે તારાજી સર્જી હતી. વીજ કંપની દ્વારા પણ સતત વોચ રખાઇ હતી.પરંતુ કેટલાય ગામોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.
ચીખલીમાં મળસ્‍કે ચારેક વાગ્‍યે પાણી ભરાવાની શરૂઆતથતા જ કેબિનેટ મંત્રી નરેશભાઈ, પ્રાંત અધિકારી અમિતભાઇ ચૌધરી, મામલતદાર ડી.એચ.મહાકાળ, નાયબ મામલતદાર સુરેશભાઇ દેસાઈ, વિજયભાઈ રબારી, પીઆઈ કે.એચ.ચૌધરી,પીએસઆઈ સમીર જે.કડીવાલા સહિતના સ્‍ટાફે ખડેપગે સેવા બજાવી હતી. આ ઉપરાંત પ્રેરણા ગ્રુપ સહિતની સેવાભાવી સંસ્‍થા અને અન્‍ય આગેવાનો દ્વારા રસોડું ચલાવી સ્‍થળાંતરી લોકો માટે ભોજનની પણ વ્‍યવસ્‍થા કરી હતી.
ચીખલીમાં બપોરે ચાર વાગ્‍યે પુરા થતા ચોવીસ કલાક દરમ્‍યાન 10.64 ઇંચ જેટલો અને સિઝનનો કુલ વરસાદ કુલ વરસાદ 55.58 ઇંચ જેટલો નોંધાયો હતો.જોકે બપોરના બારેક વાગ્‍યા બાદ વરસાદનું જોર ધીમું પડતા થોડી રાહત થઈ હતી.ગુરુવારે સવારે 4 થી 6 માં 26-મીમી,6 થી 8 માં 40 મીમી 8 થી 10 માં 128 મીમી અને 10 થી 12 માં 32-મીમી જેટલો ધોધમાર વરસાદ સવારે 4 વાગ્‍યા થી 12 વાગ્‍યા સુધીમાં વરસ્‍યો હતો.

Related posts

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

એલ ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ લેવલ ટેકફેસ્ટ LAKSHYA 2K23માં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના ઇનોવેશન હબની ટીમ રોબો રેસ સ્પર્ધામાં વિજેતા

vartmanpravah

દીવમાં 61મો મુક્‍તિ દિવસ ઉજવાયો : કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે ધ્‍વજારોહણ કરાયું: દીવવાસીઓના સુખ, સમળદ્ધિ અને શાંતિ માટે કરેલી શુભકામનાઓ

vartmanpravah

ચીખલી તાલુકામાં પાછોતરા વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન

vartmanpravah

Leave a Comment