(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: ચીખલી તાલુકામાં ગુરુવારના રોજ અતિભારે વરસાદ વચ્ચે કાવેરી, ખરેરા, અંબિકા સહિતની લોકમાતાઓમાં આવેલ પૂરે ભારે તારાજી સર્જી હતી. તંત્ર દ્વારા હાલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે છે. ત્યારે આ દરમ્યાન પૂરગ્રસ્ત ગામોમાં કોઈ રોગચાળો ન ફેલાઈ તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ કમર કસવામાં આવીછે.
ચીખલી તાલુકાના સાદકપોર, આલીપોર, હોન્ડ, દેગામ, કુકેરી, ધેજ સહિતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતા અસરગ્રસ્ત ગામોમાં અન્ય જિલ્લાની સાત સહિત 13 જેટલી ટિમો દ્વારા લોકોના ઘરે ઘરે જઈને સ્થળ પર જ ઓપીડી ચલાવી આરોગ્યની તપાસણી કરી સારવાર આપવામાં આવી રહી છે. સાથે ક્લોરીનની ગોળીઓનું પણ વિતરણ કરી જરૂર જણાય ત્યાં ચુનાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. અને તકેદારીના તમામ પગલાં આરોગ્ય વિભાગ દ્વારા લેવાઈ રહ્યા છે.
સાદકપોરના ગોલવાડ વિસ્તારમાં આજે તાપી જિલ્લાની આરોગ્યની ટીમની ઓપીડીની કામગીરીની એડીએચઓ ડો.મયંકભાઈ ચૌધરી, આરસીએચઓ ડો.રાજેશ પટેલ, ટીએચઓ ડો.એ.બી. સોનવણે ઉપરાંત ડો.કેતન પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, સુપરવાઈઝર વિજય પટેલ સહિતનાઓએ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત ડીડીઓ અર્પિત સાગર દ્વારા પણ અસરગ્રસ્ત પીએચસીઓની મુલાકત લેવામાં આવી રહી છે.
