(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : શનિવારે દાદરા નગર હવેલીના સાયલી ગામમાં આવેલ એ.વાય.એમ. સિન્ટેક્ષ કંપનીના ગોડાઉનમાં મોડી રાત્રી દરમ્યાન અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સાયલી ગામની એ.વાય.એમ. સિન્ટેક્ષ કંપનીના ગોડાઉનમાં મોડી રાત્રના ત્રણ વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નિકળી હતી. જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. બાદમાં કંપની સંચાલકો દ્વારા ફાયરફાઈટર વિભાગને ફોન કરતા સેલવાસ, ખાનવેલ સહિત ખાનગી કંપનીની ફાયર ફાઈટરોની ટીમ ધસી આવી હતી અને આગને કાબુમાં લેવા ભારે મહેનત કરી હતી. કંપનીના ગોડાઉનમાં કાપડનો જથ્થો હોવાને કારણે વધુ આગ વધુ ઝડપથી પ્રસરી હતી. આગને નિયંત્રણમાં લેતા ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. આ આગને કારણે કંપનીને કરોડો રૂા.નું નુકસાન થવા પામ્યું છે. આ ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.