October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લઘુમતી સમાજના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની બેઠક રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના વાઈસ ચેરમેન કેરસી દેબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ

સરકારની યોજનાઓનો પ્રચાર-પ્રસારથી લઘુમતી સમુદાયના લોકોને પોતાના અધિકારોની માહિતી મળશેઃ કેરસી દેબુ

લઘુમતી સમાજ દ્વારા ચલાવાતી સંસ્થા માટે માઈનોરીટી સ્ટેટસ સર્ટિફીકેટ લેવુ ખૂબ જ જરૂરી હોવાનું જણાવતા કેરસી દેબુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: લઘુમતીઓ માટેના વડાપ્રધાનશ્રીના ૧૫ મુદ્દા કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાની અમલીકરણ સમિતિની બેઠક રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના વાઈસ ચેરમેનશ્રી કેરસી કે.દેબુના અધ્યક્ષસ્થાને વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીની ઉપસ્થિતિમાં મળી હતી.
આ બેઠકમાં કમિશનના વાઈસ ચેરમેનશ્રી કેરસી કે. દેબુએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે લઘુમતીઓના ઉત્થાન અને વિકાસ માટે ગત વર્ષે રૂ. ૫ હજાર કરોડ બજેટ ફાળવ્યું હતું પરંતુ સરકારની યોજનાની સહાય માટે જે અરજીઓ થવી જોઈએ તે ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ રહી છે. જેથી ફાળવેલ બજેટનો યોગ્ય ઉપયોગ થઈ શક્યો નથી. વલસાડ નગરપાલિકાના માજી કોર્પોરેટર ઝાકીરભાઈ પઠાણે પણ કહ્યું કે, વલસાડ જિલ્લામાં લઘુમતી સમાજના લોકો માટેની સરકારી યોજનાઓનો પ્રચાર કરવો જરૂરી છે.
વાઈસ ચેરમેન કેરસી દેબુએ વધુમાં જણાવ્યું કે, સરકારની યોજનાના પ્રચાર પ્રસાર થકી જ લઘુમતી સમુદાયના લોકોને તેઓના અધિકારોની માહિતી મળી શકશે. માઈનોરીટી ડેવલપમેન્ટ માટે સરકારના અનેક પ્રોગ્રામ છે. જે મુજબ ઉદ્યોગો માટે રૂ. ૬ લાખ સુધીની લોનની સહાય નજીવા દરે મળે છે અને તેની ચૂકવણી પણ લાંબા ગાળે કરવાની રહે છે. મુસ્લિમ સમાજમાં મદરેસામાં પહેલા ધાર્મિક શિક્ષણ આપવામાં આવતુ હતું. પરંતુ આ મદરેસાના વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણની સાથોસાથ સામાન્ય શિક્ષણ પણ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે જેથી તેમના સમાજનો સંતુલિત વિકાસ થઈ શકે.
શીખ સમુદાયના ચીકલીગર શખ્સો વિશે કેરસી દેબુએ કહ્યું કે, તેઓ ગેરકાયદે પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હોય છે. એક રીતે જોવા જઈએ તો તેઓ મોટા કારીગર હોય છે. જેથી તેઓને સમાજની મુખ્ય ધારામાં જોડવા માટે સરકાર દ્વારા યોજનાઓ બનાવવામાં આવી છે. લઘુમતી સમાજ દ્વારા ચલાવાતી સંસ્થા જેવી કે, શાળા-કોલેજ, હોસ્પિટલ વગેરે માટે માઈનોરીટી સ્ટેટસ સર્ટિફીકેટ લેવુ ખૂબ જ જરૂરી હોય છે. સરકારી સહાયથી સંસ્થાનો વધુ વિકાસ કરવો હોય તો તે સર્ટિ. ઉપયોગી બને છે. જે સંદર્ભે પાલિકાના માજી કોર્પોરેટર ઈમ્તિયાઝુદ્દીન કાઝીએ પૂછ્યું કે, માઈનોરિટી સ્ટેટસ સર્ટિ. ક્યાંથી મળે એને તે માટેની પ્રોસેસ શું હોય છે. જેના જવાબમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) એમ.વાય.થુંથીવાલાએ જણાવ્યું કે, આ સર્ટિ મેળવવા માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કચેરી, જિલ્લા સેવા સદન-૨, વલસાડમાં અરજી કરવાની રહે છે. મુસ્લિમ સમાજના અગ્રણી ઝહિરભાઈ દરિયાઈએ જિલ્લામાં સરકારી યોજના પ્રચાર પ્રસારનો અભાવ હોવાનું જણાવી કહ્યું કે, એકાદ-બે મહિને મીટિંગ બોલાવવી જોઈએ અને યોજનાઓનો પ્રચાર થાય તેનું માર્ગદર્શન આપવુ જોઈએ.
વલસાડ જિલ્લા બુધ્ધ સમાજના અગ્રણી અને ડો.બાબાસાહેબ આંબેડકર સમાજ સુધાર સમિતિના ઉપપ્રમુખ બી.કે.હિવરાલેએ પાલિ ભાષાનો અભ્યાસ ક્રમમાં સમાવેશ કરવા અને બુધ્ધિસ્ટ પર્સનલ લો બનાવવા માટે રજૂઆત કરી હતી. જે સંદર્ભે કમિશનના વાઈસ ચેરમેનશ્રી કેરસી દેબુએ જણાવ્યું કે, જુદા જુદા સમાજની લુપ્ત થતી ભાષાઓને જાળવી રાખવા માટે સરકાર દ્વારા પ્રયાસ ચાલી રહ્યા છે.
શીખ સમાજના વલસાડ જિલ્લાના અગ્રણી રવિન્દ્રસિંઘ ધિલ્લોને જણાવ્યું કે, કલેકટર કચેરીમાં માઈનોરિટી સમાજના લોકોને સરકારની યોજના વિશે માહિતી મળી રહે તે માટે માઈનોરિટી સેલ હોવુ જોઈએ. જેના જવાબમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરીમાં બધી માહિતી મળે છે. આ સિવાય સોમ, મંગળ અને ગુરૂવારે પબ્લિક દિવસે જિલ્લાનો કોઈપણ અધિકારી તમને મળી શકે છે. જો કોઈ અધિકારી ન મળે તો કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાને પણ મળી રજૂઆત કરી શકો છો. આ સિવાય તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ દર મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં અરજી કરવાની રહે છે.
આ બેઠકમાં જિલ્લા નાયબ પોલીસ વડા આર.ડી. ફળદુ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્જુન પટેલ, મુસ્લિમ સમાજના અગ્રણી અશરફ ચુડાસમા, જૈન સમાજના પ્રતિનિધિ ડો.નિપા શાહ, પારસી સમાજના અગ્રણી યઝદીભાઈ તુરેલ, દેઝાદ હેકટર ચોથિયા, કયાન બોમી મહેરનોશ, વલસાડ ડો.બાબાસાહેબ આંબેડકર સમાજ સુધાર સમિતિના પ્રમુખ અવિનાશ સોનવણે, બૌધ્ધ વિહારના પ્રબંધક એચ.એસ.ભાલેરાવ, ગ્રંથપાલ મદનલાલ સરજારે સહિત લઘુમતિ સમાજના મહિલા અગ્રણીઓ પણ ઉપસ્થતિ રહ્યા હતા.
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) એમ.વાય.થુંથીવાલાએ જિલ્લામાં લઘુમતી સમાજના લાભાર્થીઓને મળેલી સરકારની યોજનાઓ વિશે માહિતી આપી હતી. અંતે આભારવિધિ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.

Related posts

વલસાડમાં બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું : ચારની ધરપકડ

vartmanpravah

ચીખલીમાં કાવેરી નદી ઉપર સાદકપોર ગોલવાડ અને તલાવચોરા ગામે રૂા.42.50 કરોડના ખર્ચે બે નવા મેજર બ્રિજને મંજૂરી મળતાં સ્‍થાનિકોમાં આનંદની લાગણી છવાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આર.આર.કેબલ કંપનીમાં આઈ.ટી. વિભાગે હાથ ધરેલું સર્ચ ઓપરેશન

vartmanpravah

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

Leave a Comment