(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.25: પારડી રેલવે સ્ટેશન પાસે અંદાજે 30 વર્ષીય અજાણ્યા યુવકે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જે ગળાના ભાગેથી કપાઈ જતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. રેલવે પોલીસે લાશનો કબજો લઈ તેની ઓળખ સાથે તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.
પારડી રેલવે સ્ટેશન ના પ્લેટ ફોર્મ નંબર 2/3ના દક્ષિણ છેડે કી.મી. નંબર 187/14 ના ઇલેક્ટ્રિક થાંભલા પાસે ડાઉન રેલવે લાઇન પરથી પસાર થતી ટ્રેન નંબર 09415 ગાંધીધામ વિકલી એક્સ ટ્રેન આગળ કોઈ અગમ્ય કારણોસર અજાણ્યા અંદાજે ત્રિસેક વર્ષના યુવકે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જે ગળાના ભાગેથી કપાઈ જતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં વાપી રેલવે પોલીસથી હેડ કોન્સ્ટેબલ બાબુભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લાશનો કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ યુવકની હજુ સુધી ઓળખ થઈ નથી. તેની અંદાજે ઉંમર 30 વર્ષ શરીરે મધ્યમ બાંધો, રંગે ઘઉંવર્ણ, ઉંચાઇ 5હ્5 ઇંચ છે જ્યારે તેણે શરીરે કાળા કલરનું આખી બાયનું ટી-શર્ટ કમ્મરના ભાગે કાળા કલરનું જીન્સ પહેર્યું છે. આ યુવક વિશે કોઈને માહિતી હોય અથવા ઓળખ થતી હોય તો વાપી રેલવે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.