આ સમગ્ર વિવાદના સ્થાનિકોમાં ઘેરા પ્રત્યાઘાત પડવા સાથે લોકોનોરોષ પારખી ગયેલી પોલીસે આગેવાનોને જે વાહનમાં પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા તે જ વાહનમાં સ્ટાફ સાથે ગામમાં મુકવા આવવાની આવેલી નોબત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.04: ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના સ્ટર લાઈટ પાવર ખાવડા આઇવીસી ટ્રાન્સમિશન લિમિટેડ કંપની તરફથી પાવર ટ્રાન્સમિશન સર્વેની કામગીરી તાલુકાના ખાંભડા ગામે ગ્રામ પંચાયતને અગાઉથી જ કોઈ પણ જાતની જાણ કર્યા વિના પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવતા અને આ અંગે સોશિયલ મીડિયા દ્વારા જાણ થતા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને સર્વેના સ્થળે પહોંચેલા ગામના સરપંચ પરેશભાઈ રૂઢી ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ ખાંભડા સહિતનાઓએ આ કામગીરીનો વિરોધ કરી ગ્રામજનોએ પહેલા ગ્રામ પંચાયતની જાણ કરો અને ગ્રામસભાના નિર્ણય મુજબ કામગીરી કરવાની માંગ કરી હતી.
આ દરમિયાન સ્થળ પર પહોંચેલા ડીવાયએસપીએ સૂચના આપતા પોલીસે ગામના સરપંચ પરેશભાઈ ઉપરાંત રમેશભાઈ ખાભડા ઉપરાંત વોર્ડ સભ્યો સહિતના નવેક જેટલાને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લાવવામાં આવતા સ્થાનિકોમાં પોલીસ સામે ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો અને એક સમયે વાતાવરણ તંગ બનતા નાયબ મામલતદાર વિજયભાઈ રબારી, પીઆઈ એ જેચૌહાણ સહિતના અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ કંપની દ્વારા સર્વેની કામગીરી આજે પડતી મુકવાની ફરજ પડી હતી.
પોલીસ મથકમાં ખાભડાના સરપંચ આગેવાનોનો રોષ પારખી ગયેલી પોલીસે તેઓની જે પોલીસ વાનમાં જે પોલીસ કર્મચારીઓ અમને લાવ્યા હતા. તેઓ જ ગામમાં અમને મુકવા આવે તેવી માંગ પર અડી જતા આખરે પોલીસે તે જ સ્ટાફ અને વાનમાં પરત ગામમાં મૂકવા જવાની નોબત આવી હતી. આગેવાનોએ ડીવાયએસપી સામે ગંભીર આક્ષેપો કરી એક સમયે તેમના અનેક કંપનીના સ્ટાફ સામે ફરિયાદ આપવાની વાત કરતા વાતાવરણ ગરમાયું હતું.
ચીખલી તાલુકામાં સરકારના વિવિધ પ્રોજેક્ટો માટે અવાર નવાર સર્વે અને તેમાં વિવાદો થતા આવ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા તકેદારી લેવાતી નથી અને છેવટે લોકોનું પોલીસ સાથે ઘર્ષણ થતું હોય છે હકીકતમાં કોઈ પણ સર્વે પૂર્વે સંબંધિત ગ્રામ પંચાયતના માધ્યમથી લોકોને આગોતરી જાણ કરવામાં આવે તો વિવાદ ટાળી શકાય પરંતુ અગાઉના બનાવો પરથી પણ તંત્ર દ્વારા શીખ લેવાતી નથી અને સરપંચ સહિતના લોકોને અંધારામાં રાખી આ રીતે સર્વે કરાતા વિવાદ સર્જાતા હોય છે.
રૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ ખાંભડાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં સર્વે કરવા આવેલસ્ટાફ અને અધિકારીને ચોક્કસ ખબર ન હતી. તેઓ સંતોષકારક જવાબ આપી શકયા ન હતા. અમારી માંગણી એટલી જ હતી કે તમે જે કામગીરી કરવાના છે તે માટે એક પંચાયતને જાણ કરો અને ગ્રામસભામાં અમે નક્કી કરીશું પરંતુ સ્થળ પર આવેલા ડિવાઇએસપી ગાડીમાંથી ઉતરતાની સાથે જ ગાળો બોલી આ લોકો સમજે છે શું બધાને ગાલીદો તેમ કહી અમને ઘસેડીને બેસાડી દેવાયા હતા.
ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલના જણાવ્યાનુસાર સ્ટર લાઈટ પાવર કંપનીનો એરિયલ સર્વે ખાંભડા ગામે પોલીસ બંદોબસ્ત સાથે ચાલતો હતો તે દરમિયાન સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમ દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે તેમ લાગતા ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખી સાત આઠ આગેવાનોને પોલીસ મથકે લાવી કંપનીના સ્ટાફ સાથે વાટોધાટો કરાવી હતી. પોલીસે અગમચેતી રાખતા મોટો બનાવ અટકી ગયેલ છે.