વીજ સપ્લાઈ માટે 500 કેવીના 12 ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવ્યા, 450 એલઈડી લાઈટ લગાવાશે
38 નંગ ડિઝલ જનરેટર (ડીજી)ના સેટ પણ સ્ટેન્ડ બાય સોર્સ તરીકે રાખવામાં આવ્યા
વિશાળ જનમેદની માટે પાંચ ડોમમાં 40 એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.16: નવસારીના વાંસી-બોરસી ખાતે આગામી તા.22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં પીએમ મિત્ર પાર્કના ખાતમુહૂર્તનો સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ઘણા સમયથી પડતર રહેલી આ જમીન પર વીજલાઈન લાવવાથી માંડીને ટ્રાન્સફોર્મર ઉભા કરવાની કામગીરી ઝડપભેર ચાલી રહી છે.
પીએમ મિત્ર પાર્કથી કાપડ ક્ષેત્રની સાથે સાથે ગ્રામીણ રોજગાર અને મહિલા સશક્તિકરણની દિશામાં પણ તેજ ગતિથીવિકાસ થશે જે કાપડ ક્ષેત્રને વધુ ગતિશીલ બનાવશે. વડાપ્રધાનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકી એક પીએમ મિત્ર પાર્કના ખાતમુહૂર્ત સમારોહ પૂર્વે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરીને ઓપ આપવામાં આવી રહ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની અને જીઆઈડીસીની ટીમ દ્વારા દિવસરાત કામગીરી ચાલી રહી છે. કુલ પાંચ ડોમમાં યોજાનારા આ સમારોહમાં એક ડોમમાં 300 અને બાકીના ચાર ડોમમાં 150 એલઈડી લાઈટ લગાવવામાં આવશે. જે માટે વીજ કંપની દ્વારા કાસામરીન રિસોર્ટથી સભા સ્થળ સુધી 1 કિમીથી વધુ લંબાઈની અન્ડરગ્રાઉન્ડ અને ઓવરહેડ વીજ લાઈન નાંખવામાં આવી છે. પાંચ ડોમમાં કુલ 40 એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે. સભા સ્થળે પાવર સપ્લાઈ માટે 500 કેવીના 12 ટ્રાન્સફોર્મર ગોઠવવામાં આવ્યા છે. ડીજીવીસીએલ દ્વારા 21 કનેકશન આપવામાં આવ્યા છે. આ સિવાય 38 નંગ ડિઝલ જનરેટર (ડીજી)ના સેટ પણ સ્ટેન્ડ બાય સોર્સ તરીકે રાખવામાં આવ્યા છે. કુલ ચાર સોર્સ વીજ સપ્લાઈ માટે તૈયાર કરાયા છે. જે બે સોર્સ ડીજીવીસીએલ અને બે સોર્સ ડીજી આધારિત છે.
જીઆઈડીસી અને વીજ કંપનીના ઈલેકટ્રીક અને સિવિલ વિભાગના ઓફિસરોથી માંડીને લાઈનમેન સુધીનો 60 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો સાધનસરંજામ સાથે દિવસ રાત એક કરી તા.22 મી ના રોજ યોજાનારા ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે.