સભા સ્થળે જનમેદનીને એકત્રિત કરવા માટે માઈક્રો પ્લાનિંગ કરાયું
પીએમ મિત્ર પાર્ક વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરશેઃ ધારાસભ્ય આર.સી.પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.16: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગણાતા અને કાપડ ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર પીએમ મિત્ર પાર્ક નવસારીના વાંસી-બોરસી ખાતે 1141 એકર જમીન પર સાકાર થવા જઈ રહ્યો છે ત્યારે આગામી તા.22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત થનાર હોવાથી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે કામગીરીનું જલાલપોર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી આર.સી.પટેલે પણ નિરિક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને પાંચ ડોમમાં વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય સમારોહમાં જનમેદનીને ભેગી કરવા માટેનું માઈક્રો પ્લાનિંગ પણ કરી દેવાયું છે.
વડાપ્રધાનશ્રીના ‘‘આત્મનિર્ભર ભારત”ના વિઝનને સાકાર કરવાની દિશામાં પીએમ મિત્ર (પ્રધાનમંત્રીમેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ) પાર્ક એક મહત્વપૂર્ણ પગલું છે. જેનાથી ગુજરાતની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર વધારો થશે. નવસારી ખાતે પીએમ મિત્ર પાર્ક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારના ઉત્તમ સંકલનનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. જેના થકી રાજ્યના ટેક્ષ્ટાઈલ સેક્ટરના વિકાસની નવી દિશા ખૂલશે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે પી.એમ. મિત્ર પાર્ક મોટી ઉપલબ્ધિ ગણાશે. પીએમ મિત્ર પાર્કના ખાતમુહૂર્ત સમારોહના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સભા સ્થળ પર જિલ્લા વહીવટી તંત્ર જીઆઈડીસી વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. જે કામગીરીનું આજે શુક્રવારે જલાલપોર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી આર.સી.પટેલે પણ સંગઠનના હોદ્દેદારો સાથે વિઝિટ લઈ નિરિક્ષણ કર્યુ હતું. આ વેળા તેમણે જણાવ્યું કે, કુલ પાંચ ડોમમાં જનમેદની ઉમટશે, આ માટે આયોજન પણ કરી દેવાયું છે. જલાલપોર વિધાનસભામાં સમાવિષ્ટ 67 અને નવસારી વિધાનસભા મત વિસ્તારના 35 સરપંચો તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને સંગઠનના હોદ્દેદારોને તેમના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનશ્રીને ઉષ્માભેર આવકારવા માટે ઉપસ્થિત રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુંછે. વડાપ્રધાન સંસ્કારી નગરી નવસારીના આંગણે આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી પણ બિરદાવવાપાત્ર છે. પી.એમ. મિત્ર પાર્ક ‘‘મેક ઈન ઈન્ડિયા” અને ‘‘મેક ફોર ધ વર્લ્ડ”નું વિઝન અને વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત નિર્માણ’ના વિઝનને સાકાર કરશે.