ગેરેજમાં કામ કરવા આવેલ કાર સામાન લેવા જતા પલટી મારી ગઈ, ગભરાઈ જતા તેજસ મુકેશભાઈ પટેલએ એસિડ પી ગયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામે કાર ગેરેજમાં કામ કરતા યુવકે બેટરી એસિડ પી જતા સારવારમાં યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.
તિસ્કરી તલાટમાં કાર્યરત કાર ગેરેજમાં તેજસ મુકેશભાઈ પટેલ નામનો 25 વર્ષિય યુવક નોકરી કરતો હતો. ગેરેજમાં રિપેરીંગ માટે આવેલ સ્વિફટ કારનો સામાન લેવા કાર લઈને નિકળ્યો હતો તે દરમિયાન સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. તેથી તેજસ ખુબ ગભરાઈ ગયો હતો. ગેરેજ માલિક ઠપકો આપશે તેવા ડરથી તેજસએ ગેરેજમાં રાખવામાં આવેલ બેટરી એસિડ ગટગટાવી જઈ આપઘાતની કોશિશ કરી લીધી હતી. એસિડ પીધેલી હાલતમાં તેજસને સારવાર માટે ખસેડાયો હતો.પરંતુ કમનસીબે આશાસ્પદ યુવક તેજસનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે સંગીતાબેન મુકેશભાઈ પટેલએ ધરમપુર પોલીસમાં જાણ કરી હતી. પોલીસે એ.ડી. નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.