(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 13: સમગ્ર સંઘપ્રદેશમાં પ્લાનિંગ અને ડેવલપમેન્ટ ઓથોરિટી તમામ બાંધકામના કામોની મંજૂરી આપે છે. જે અંતર્ગત પંચાયત વિસ્તારમાં પ્લાનિંગ અને ડેવલપમેન્ટ ઓથોરિટીની મંજૂરી વગર બાંધકામ થઈ રહ્યા હોવાનું ધ્યાનમાં આવતા પ્રશાસને કાર્યવાહીની શરૂઆત કરી છે. જે કડીમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગ્રામ પંચાયત વિસ્તારની અંદર જો કોઈ અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામ થશે તો તેની સીધી જવાબદારી જે તે ગ્રામ પંચાયતના સરપંચની હોવાનું દાદરા નગર હવેલી અને દમણ-દીવના પંચાયતી રાજ વિભાગના સંયુક્ત સચિવ શ્રી આશિષ મોહને એક સરક્યુલર દ્વારા સૂચિત કર્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પંચાયત રેગ્યુલેશન-2012ની કલમ 18 અંતર્ગત પોતાની ગ્રામ પંચાયતમાં અનઅધિકૃત / ગેરકાયદેસર બાંધકામ નહીં થાય તેની કાળજી લેવાની જવાબદારી જે તે ગ્રામ પંચાયતના સરપંચની છે.