October 14, 2025
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

…તો ગ્રામ પંચાયતના સરપંચો જ હોળીના નારિયેળ બનશે

પંચાયત વિસ્‍તારોમાં પીડીએની પરવાનગી વગર ચાલ, એપાર્ટમેન્‍ટ, દુકાન કે અન્‍ય વ્‍યવસાયિક પ્રતિષ્‍ઠાનોનું નિર્માણ થતું હોય તો જે તે વિસ્‍તારના સરપંચને જવાબદાર ઠેરવવા જોઈએ, પણ….

સંઘપ્રદેશના પંચાયતી રાજ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહને જારી કરેલા સરક્‍યુલરમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પંચાયત વિસ્‍તારોમાં પ્‍લાનિંગ અને ડેવલપમેન્‍ટ ઓથોરિટી(પીડીએ)ની મંજૂરી વગર બાંધકામો થઈ રહ્યા હોવાનું જણાવાયું છે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પંચાયત રેગ્‍યુલેશન-2012ની કલમ 18 અંતર્ગત પોતાની ગ્રામ પંચાયતમાં અનઅધિકૃત/ગેરકાયદેસર બાંધકામ નહીં થાય તેની કાળજી લેવાની જવાબદારી જે તે ગ્રામ પંચાયતના સરપંચની હોવાનું પણ જણાવાયું છે. પોતાની ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ગેરકાયદે થતા બાંધકામ માટે સરપંચને જવાબદાર ઠેરવી દર મહિને ગેરકાયદે/અનઅધિકૃત બાંધકામની જાણકારીનો રિપોર્ટ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીને સુપ્રત કરવા પણ ઠરાવાયું છે.
સંઘપ્રદેશ પ્રશાસનનો હેતુ ખરેખર આવકારદાયક છે, પરંતુ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં થતા ગેરકાયદે/અનઅધિકૃત બાંધકામ માટે કેટલીક પ્રશાસનિક વ્‍યવસ્‍થા પણ જવાબદાર છે. કોઈ પંચાયત વિસ્‍તારમાં પીડીએનીપરવાનગી વગર ચાલ તાણી બાંધવામાં આવે, મોટી મોટી ઈમારતો કે એપાર્ટમેન્‍ટ ઠોકી દેવાય કે વાણિજ્‍યિક પ્રતિષ્‍ઠાનો બનાવવામાં આવે તે અક્ષમ્‍ય અપરાધ છે અને જે તે પંચાયત વિસ્‍તારના સરપંચ સહિતના પ્રતિનિધિઓ પણ જવાબદાર છે. પરંતુ કોઈ પોતાની જગ્‍યામાં કે પોતાના ઝૂંપડાના સ્‍થાને પાકું મકાન બનાવે તો તેના ઉપર સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ. કારણ કે, દાદરા નગર હવેલીમાં મોટાભાગે ડુંગર ઉપર છુટાછવાયા ઘર આવેલા છે. એક તરફ ડુંગરાળ પ્રદેશ અને બીજી બાજુ રિઝર્વ ફોરેસ્‍ટ હોવાના કારણે કોઈ આદિવાસી પોતાના ઝૂંપડામાંથી પાકું મકાન બનાવવા પીડીએની પરવાનગી ઈચ્‍છે તો તેને પાકું ઘર બનાવવા માટે કેટલાય જન્‍મ લેવા પડે એવી સ્‍થિતિ છે. આજે પરિવારો મોટા થતા જાય છે, તેથી પોતાના બાપ-દાદાના મકાનમાં એક સાથે રહી શકે એવી સ્‍થિતિ રહેતી નથી. એવા સંજોગોમાં ઘરની બાજુમાં આવેલ જગ્‍યામાં એક ભાઈ ઘર બનાવે તો તેને સરળતાથી પરવાનગી મળે એવી વ્‍યવસ્‍થા પીડીએ દ્વારા કરવાની જરૂરિયાત છે અથવા આ પ્રકારના પ્‍લાન પાસ કરવાની સત્તા પંચાયતને પણ સુપ્રત કરવામાં આવે તો કંઈ ખોટું પણ નથી. પોતાનું ઘર બનાવવા માટે પંચાયત વિસ્‍તારના લોકોને ઓછામાં ઓછા કાગળિયાની જરૂરિયાત પડે અને ઓછી જગ્‍યામાં પણ ઘર બની શકેએવી વ્‍યવસ્‍થા અમલમાં મુકાશે ત્‍યારે અમારૂં માનવું છે કે, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગેરકાયદે કે અનઅધિકૃત બાંધકામની સમસ્‍યા જ નહીં રહેશે.
સંઘપ્રદેશના પંચાયતી રાજ વિભાગના સંયુક્‍ત સચિવે જારી કરેલ સરક્‍યુલરથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સરપંચો જ હોળીનું નારિયેળ બનશે એમાં કોઈ શક દેખાતો નથી. કારણ કે, કેટલાક લોકો રહેવા માટે પોતાનું ઘર બનાવતા હશે પરંતુ તેમની પાસે પીડીએની પરવાનગી નહીં હશે તેવા તમામનું ઘર બનાવવાનું સ્‍વપ્ન રોળાઈ જવાની પુરી સંભાવના છે.
જે પંચાયત વિસ્‍તારમાં ચાલ, દુકાનો, એપાર્ટમેન્‍ટ કે અન્‍ય વ્‍યવસાયી પ્રતિષ્‍ઠાનો પીડીએની પરવાનગી વગર બનાવવામાં આવતા હોય ત્‍યાંના સરપંચને જવાબદાર ઠેરવવું સુસંગત ગણાશે, અને રહેવા માટે ઘર બનાવનારાઓ માટે સંવેદનશીલ અભિગમ અપનાવી તેમને કાયદેસરતા મળે એવી વ્‍યવસ્‍થા કરવી ઈચ્‍છનીય જણાય છે.

એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ

સંઘપ્રદેશમાં પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ લગભગ તમામ લોકો કાયદાના દાયરામાં આવી ગયા છે. પ્રદેશના તમામ લોકો કાયદેસર બને એ માટે પ્રશાસને પણ થોડી જડતા છોડી વ્‍યવહારિક અભિગમ અપનાવી વધુમાં વધુ લોકો કાયદાના પરિઘમાં આવે એવું તંત્ર નિર્માણ કરવું જોઈએ. આ પ્રકારની વ્‍યવસ્‍થા વર્તમાન પ્રશાસનના સંવેદનશીલ અભિગમથી જશક્‍ય બની શકે છે. નહીં તો ‘કાયદાનું ઉલ્લંઘન કરો અને દંડ ભરો’ની નીતિ લગાતાર ચાલુ રહેશે.

Related posts

દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાનહ જિ.પં.ની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત”જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધા ૨૦૨૧-૨૨”માં ભાગ લેવા બાબત

vartmanpravah

મોદી સરકારના શાસન દરમિયાન દેશ, પ્રદેશ અને દુનિયામાં હવે આપણો સમય શરૂ થયો છેઃ ભારતનો સમય શરૂ થયો છેઃ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયા

vartmanpravah

ભીમપોર ખાતે ગ્રામસભા યોજાઈઃ ગંદકી, પંચાયતી રાજની સત્તા પરત અપાવવા તથા હાટબજાર બંધ કરાવવાના છવાયેલા મુદ્દા

vartmanpravah

દમણ સહિત સમગ્ર સંઘપ્રદેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પ્રશાસન દ્વારા થઈ રહેલા અનેક પ્રયાસો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment