(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના ટાંકલ ગામે સુરતથી ચિકન ખાવા આવેલા શખ્સને જૂની અદાવત રાખી લોખંડના પાઈપ વડે મારતા પોલીસે સુરતના ચાર જેટલા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમરજીતસિંગ બીરેન્દ્રસિંગ યાદવ (ઉ.વ-28) (રહે.સાઈ યુનિટી રો-હાઉસ મકાન નં-144-એ ભેસ્તાન સુરત)એ આપેલફરિયાદમાં જણાવ્યાનુસાર સાથી મિત્ર દીપકભાઈ રામસિંહ, અનિતાબેન પરિહાર, ખુશીબેન તથા તેમના એક મિત્ર સાથે સુરતથી આર્ટિગા નં. જીજે-05-સીયુ-6571 લઈ ચીખલી તાલુકાના ટાંકલ ખાતે આવેલ સજ્જાદ ચિકન સેન્ટરમાં ચિકન ખાવા માટે આવ્યા હતા અને જમી પરવારીને સુરત જવાની તૈયારી કરી રહ્યા હતા તે સમય દરમ્યાન ત્યાં ઈશરાર અલિયાસ ઉર્ફે છોટે મોહમદ રફીભાઈ ખાન, નવસાદ મોહમદ રહીભાઈ ખાન, વિનોદ ઉર્ફે રોકી સૂર્યાદેવ વર્મા (ત્રણેય રહે.ઉન સુરત) તથા તેમની સાથે આવેલ એક અન્ય ઈસમો આવી દીપકભાઈ રામસિંહ સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી બોલાચાલી કરી નાલાયક ગાળો આપી દીપકભાઈ રામસિંહને ઈશરાર અલિયાસ ઉર્ફે છોટે મોહમદ રફીભાઈ ખાને લોખંડના પાઇપ વડે પગના ભાગે ફટકા મારી તેમજ ઢીક્કા-મુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સ્થળ ઉપરથી ફરાર થયા હતા.
જોકે ઈજાગ્રસ્ત દીપકભાઈ રામસિંહને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડાતા પગમા ફેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરોક્ત બનાવ બાબતે પોલીસે ઈશરાર અલિયાસ ઉર્ફે છોટે મોહમદ રફીભાઈ ખાન, નવસાદ મોહમદ રહીભાઈ ખાન, વિનોદ ઉર્ફે રોકી સૂર્યાદેવ વર્મા (ત્રણેય રહે.ઉન સુરત) તથા તેમની સાથે આવેલ એક અન્ય ઈસમ મળી કુલ ચાર જેટલા સામે ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પીઆઇ કરી રહ્યા છે.