(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના તેજલાવ ગામે દેસાઈવાડ ખાતે રહેતા બુધાભાઈ હળપતિની વહુ તેના સાસરે આવતી ન હોય પુત્ર ગૌરાંગ અવાર નવાર ઝઘડો કરતો આવેલ અને ગતરોજ ઉશ્કેરાઈ જઈ પિતા બુધાભાઈ હળપતિ ઉપર કુહાડી વડે હુમલો કરતા ગળાના તેમજ માથાના ભાગે માર મારતા લોહી લુહાણ હાલતમાંસારવાર હેઠળ ખસેડાયા હતા. પોલીસે હુમલા ખોર પુત્રની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યો હતો.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર બુધાભાઈ રવજીભાઈ પટેલ (રહે.તેજલાવ દેસાઈવાડ, તા.ચીખલી)એ પોલીસ મથકમાં આપેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર તેના પુત્ર ગૌરાંગની પત્ની આજથી નવ માસ પૂર્વે ડીલીવરી માટે તેના પિયર ગયેલ જે આજદિન સુધી પરત ન આવતા પુત્ર આ બાબતે તેના માતા-પિતા સાથે અવાર નવાર બોલાચાલી અને ઝઘડો કરતો હોય અને ગતરોજ પણ આ બાબતે બોલાચાલી બાદ ઝઘડો કરેલ અને અચાનક ઉશ્કેરાઈ જઈ તેના પિતા બુધાભાઈ ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કરતા જેને ગળાના તેમજ માથામાં ઉપરા છાપરી ઘા કરતા લોહી લુહાણ કરી દેતા અને આ વેળા બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવતા પુત્ર ગૌરાંગ પટેલ ત્યાંથી ભાગી છૂટયો હતો. બુધાભાઈ પટેલને ગળામાં અને માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે 108 મારફતે ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમને વધુ સારવારની જરૂર હોય વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે ભોગ બનનાર બુધાભાઈ હળપતિની ફરિયાદના આધારે પોલીસે તેના પુત્ર ગૌરાંગભાઈ બુધાભાઈ હળપતિ સામે ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રોગતિમાનકર્યો છે. વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.