રાહદારીઓ પગપાળા પણ ચાલી નહીં શકે એવી વિકટ સ્થિતિ ધરાવતો રાજમાર્ગ વાહનચાલકો માટે બનેલો અકસ્માતના આમંત્રણનો દ્વાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીને દાદરા નગર હવેલીમાંથી પસાર થતા ‘હાઈવે નંબર 848-એ’ને તાત્કાલિક રિપેર કરાવવા માટે રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે કેન્દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સંસદ સત્ર દરમિયાન થયેલી તેમની રૂબરૂ મુલાકાતમાં તેમણે દાદરા નગર હવેલીથી પસાર થતા ‘હાઈવે નંબર 848-એ’ની બાબતમાં વિગતવાર ચર્ચા-વિચારણાં કરી હતી. જેના સંદર્ભમાં તેમણે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 848-એ નેશનલ હાઈવે ગુજરાતના વાપી જંક્શનના નેશનલ હાઈવે નંબર 48થી દાદરા નગર હવેલીના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થાય છે અને ફરી નેશનલ હાઈવે નંબર 48 મહારાષ્ટ્રના તલાસરી જંક્શન ઉપર મળેછે. આ રોડ માટે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.190 કરોડ જેટલા ભંડોળની દાદરા નગર હવેલી પ્રશાસનને ફાળવણી પણ કરવામાં આવેલ હોવાની જાણકારી આપી છે. રૂા.190 કરોડની ફાળવણી થવા છતાં છેલ્લા બે-ત્રણ વર્ષથી આ રોડનું કામ ખુબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહેતો હોવાની પણ જાણકારી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ રોડના કારણે અકસ્માતોની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધી રહી છે અને ઘણાં લોકોએ અકસ્માતમાં પોતાની જાન પણ ગુમાવી છે. આ રોડ દાદરા નગર હવેલીની લાઈફલાઈન છે. કારણ કે, આ રોડ સામાન્ય લોકો અને ઔદ્યોગિક ગતિવિધિના ટ્રાન્સપોર્ટેશનથી ધબકતો રહે છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી લગભગ દોઢથી બે લાખ લોકો આ રોડના અધૂરા કામથી પરેશાન હોવાનું જણાવી તેમણે તેજ ગતિથી રોડ બનાવવાનો ભારત સરકારનો સારો ઇતિહાસ રહ્યો છે. પરંતુ દાદરા નગર હવેલીમાં તેનાથી વિપરીત થઈ રહ્યું હોવાની પણ માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી આ નેશનલ હાઈવે લોકો માટે પગપાળા ચાલવા માટે પણ લાયક રહ્યો નથી.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે વહેલામાં વહેલી તકે આ રોડનું સમારકામ કરી વરસાદમાં લોકો અને અવર-જવર કરતાટ્રાફિકને રાહત થાય તેવી વ્યવસ્થા કરવા કેન્દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીને અરજ કરી છે.
દાનહની સાથે દમણ-દીવના પણ સાંસદ હોવાનો કલાબેન ડેલકરનો દાવો..?
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : લોકસભાની દાદરા નગર હવેલી બેઠકના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પોતાના લેટરહેડમાં દાદરા નગર હવેલીની સાથે દમણ અને દીવના પણ લોકસભા સાંસદ હોવાનું જણાવતાં આヘર્ય થયું છે. આ પહેલાં દમણ અને દીવના નવનિર્વાચિત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પણ દમણ-દીવની સાથે દાદરા નગર હવેલીનો પણ પોતાના લેટરહેડમાં પ્રયોગ કર્યો હતો.