સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બીજા દિવસે પણ વિવિધ મહત્ત્વાકાંક્ષી કાર્યાન્વિત પ્રોજેક્ટોનું ઝીણવટપૂર્વક કરેલું સ્થળ ઉપર નિરીક્ષણ
આવતા દિવસોમાં દમણમાં એરપોર્ટ, મરવડ હોસ્પિટલ, નાઈટ માર્કેટ જેવા પ્રોજેક્ટોનો થનારો આરંભઃ પ્રવાસન અને આરોગ્ય ક્ષેત્રે દમણ ઊંચી છલાંગની કગાર ઉપર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : ખુબ જ નજીકના ભવિષ્યમાં દમણની સિકલ અને સૂરત બદલનારા કાર્યાન્વિત વિવિધ પ્રોજેક્ટોનું આજે બીજા દિવસે પણ સંઘપ્રદેશના પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલે ખુબ જ ઝીણવટપૂર્વક સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જેમાં સવારે જૂનું બસ સ્ટેન્ડ, નવું પોલીસ સ્ટેશન, જૈન સ્ટ્રીટ રોડ, સમુદ્ર નારાયણ જેટી, નાની દમણ કિલ્લાનું નિર્માણ તથા સૌંદર્યકરણ, ગો કાર્ટિંગ સાઈટ, છપલી શેરી નાઈટ માર્કેટ, ખારીવાડ એસ.ટી.પી., વડચૌકી નજીક પ્રસ્તાવિત બસ સ્ટેન્ડના નિર્માણની સાઈટ, નિફટ સાઈટ, સરકારી કોલેજ તથા ગ્રાઉન્ડ, સરકારી કોલેજથી ધોબી તળાવ સુધીના માર્ગનું નિર્માણ, મશાલ ચોક તથા પોલીસ હાઉસિંગ કોમ્પલેક્ષના નિર્માણનો સમાવેશ થાય છે.
બપોરે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ત્રણબત્તી જંક્શન, એરપોર્ટ ટર્મિનલ, 300 બેડવાળી મરવડ હોસ્પિટલ, નર્સિંગ કોલેજ, દેવકા સ્થિત કન્વેન્શન સેન્ટર, દેવકા ખાતે ટોય ટ્રેઈન, ભીમપોર ચાર રસ્તા, ભીમપોર જંક્શનથી કોસ્ટગાર્ડ એર સ્ટેશન સુધીનો રોડ, દલવાડા સ્કૂલ, પોલીસ હેડ ક્વાર્ટરના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સીધા આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમના કારણે ખુબ જ નજીકના ભવિષ્યમાં દમણનું એરપોર્ટ તથા નાઈટ માર્કેટ, અદ્યતન મરવડ હોસ્પિટલ જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટો શરૂ થવાના છે. જેના કારણે દમણના પ્રવાસન ઉદ્યોગનો વિકાસ રોકેટ ગતિએ થવાનો છે. અદ્યતન મરવડ હોસ્પિટલ કાર્યાન્વિત થયા બાદઆરોગ્ય ક્ષેત્રે પણ દમણને લગભગ તમામ અદ્યતન સુવિધાઓ મળવાની છે. જેના કારણે આવતા દિવસોમાં દમણની શાન અને સૂરત પણ વધશે એમાં કોઈ સંદેહ નથી.