નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પૂર્ણેશ મોદી સહિત ધારાસભ્યો ભાજપના હોદ્દેદારો કાર્યક્રમમાં જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: તાજેતરમાં કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ત્રણ દિવસ અમેરીકાના પ્રવાસે હતા ત્યારે તેમણે જુદા જુદા કાર્યક્રમમાં અનામત તથા શિખો વિરૂધ્ધ નિવેદનો આપ્યા હતા. જેના પ્રત્યાઘાત દેશભરમાં પડયા હતા. રાહુલ ગાંધીએ અનામત હટાવવાના આપેલા નિવેદનોના વિરોધમાં આજે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ધરણા અને મૌન રેલી કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં પ્રથમ કલ્યાણ બાગ પાસે સ્ટેડિયમ રોડ ઉપર કાર્યક્રમનું આયોજન હતું પરંતુ વરસાદને લીધે કાર્યક્રમ સ્થળ ફેરફાર કરીને મોંઘાભાઈ હોલમાં આયોજન કરાયું હતું. ભાજપના અગ્રણી નેતા પૂર્ણેશ મોદી, નાણામંત્રીકનુભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત તમામ ભાજપના ધારાસભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાળી પટ્ટી બાંધી મૌન રેલી અને ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. અમેરીકામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એસ.સી., એસ.ટી., ઓબીસી, સામાજીક, શૈક્ષણિક પછાત વર્ગની તમામ અનામત દુર કરવાના નિવેદનો પરદેશની ધરતી ઉપર આપ્યા હતા. જેનો વિરોધ અને વખોડવા માટે આજે વલસાડમાં ભાજપ દ્વારા કાર્યક્રમ યાોજયો હતો. પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાહુલ અને કોંગ્રેસની વિચારશરણી દેશ વિરોધી છે તેથી તેમની આ વાતો જન જન સુધી પહોંચાડવા માટે સમગ્ર ગુજરાતમાં આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.