ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઓપરેશન સફળ રહ્યું : નવી ટાંકી બનાવાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.24: વાપી જીઆઈડીસી વિસ્તારમાં 35 વર્ષ જુની ટાંકીને નોટિફાઈડ દ્વારા ધરાશાયી કરવામાં આવી હતી. 20 લાખ લીટરની ક્ષમતા વાળી આ પાણીની ટાંકીને બુધવારે સાંજે કોલમ બ્રેકીંગ ટેકનોલોજીથી સંપુર્ણ સુરક્ષા સાથે ટાંકીને ધરાશાયી કરવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ વાપી જીઆઈડીસી ચણોદ નજીક સેલવાસ રોડ વિસ્તારમાં એશીયન કેરેન નામની કંપની પાસે નોટિફાઈડની 20 લાખ લીટર પાણીની ટાંકી આવેલી છે. 35 વર્ષ જુની આ ટાંકીને તોડી પાડવાની કામગીરી બુધવારે સાંજે હાથ ધરાઈ હતી. ટાંકી તોડવા માટે ખાસ એજન્સીને કામ સોંપાયું હતું. એજન્સીએ કોલમ બ્રેકીંગ ટેકનોલોજીથી મિનિટોમાં ટાંકીને ધરાશાયી કરી દીધી હતી. કામગીરી વ્યવસ્થિત પાર પાડવા માટે સુરક્ષાની તમામ બાબતો ધ્યાને લેવાઈ હતી. પોલીસ, જીઈબી સહિત લાગતી વળગતી એજન્સી સાથે સંકલન કરવામાં આવ્યું હતું. સાંજે સેલવાસ રોડ પરનો ટ્રાફિક રોકી દેવાયો હતો તેમજ વીજ પુરવઠો પણ 10 મિનિટ માટે બંધ કરી દેવાયો હતો. ટાંકી ધરાશાયી કરતા સમયે ધુળની ડમરીઓના ગોટેગોટા ઉડયા હતા તે માટે જરૂરી તમામ તકેદારી રાખવામાં આવી હતી. આ વિસ્તારમાં આ ટાંકીથી પાણી પુરવઠો અપાતો હતો તે પુરવઠો અન્ય ટાંકી દ્વારા આપવામાં આવશે. અન્ય ટાંકી અને પાઈપ લાઈન ચાલું રહેશે.પર્યાપ્ત પ્રેશરથી પાણી પુરવઠો મળતો રહેશે. તોડી પડાયેલ ટાંકીના સ્થાને નવી ટાંકી બનાવાશે. જેની મંજુરી મળી ગઈ છે.