બે દિવસથી કોઈ પ્રાણીના રડવાનો અવાજ આવતો હતો પણ
અવાજ ક્યાંથી આવે છે તે શોધવું લોકોને મુશ્કેલ બનેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વાપી નજીક લવાછા ગામમાં આવેલ પાણીની ટાંકીમાં વિચિત્ર રીતે પડી ગયેલ શ્વાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.આશરે 50 ફૂટ ઊંચી ટાંકીમાં સ્વાન પડી ગયો હતો અને સત બે દિવસથી તેનો રડવાનો અવાજ આવતો હતો પરંતુ અવાજ કયા પ્રાણીનો અને ક્યાંથી આવે છે તે કહેવું સ્થાનિકો માટે દોહ્યલું બની ગયું હતું. અંતે મહામહેનતે ખબર પડી કે શ્વાન પાણીની ટાંકીમાં પડી ગયો છે અને તેનો રડવાનો અવાજ આવે છે.
લવાછા ગામમાં આવેલી પાણીની ટાંકી ઉપર શ્વાન ચઢી ગયો હશે અને ભૂલથી 50 ફૂટ ઊંચી ટાંકીમાં પડી ગયો હતો તે પછી સતત ટાંકીની અંદર પડી ગયેલા શ્વાને રડવાનું ચાલુ કરેલ. બે દિવસ સુધી કોઈ પશુ, પ્રાણીનો રડવાનો અવાજ સ્થાનિકો સાંભળતા હતા પરંતુ આ ભેદી અવાજ ક્યાંથી આવે છે તે શોધવું મુશ્કેલ હતું. અંતે કેટલાક લોકોએ પાણીની ટાંકી ઉપર ચઢીને તપાસ કરી તો ટાંકીની અંદર શ્વાન પડી ગયેલો જોયો તેજ રડતો હતો. સાચી વિગતો જાણ્યા પછી લોકોએ એનિમલ રેસ્ક્યુના વર્ધમાન શાહને જાણ કરી હતી. રેસ્ક્યુ ટીમે આવીને જોયુ તો ટાંકીમાં ઉતરી શકાય એવી કોઈ સ્થિતિ નથી તેથી રસ્સીનો પાસો બનાવીને ટાંકીમાં નાખી મહામુસીબતે સ્વાનનું રેસ્ક્યુ કરી બહાર કાઢી સલામત ખુલ્લી જગ્યામાં છોડી દેવાયો હતો. જો કે ટાંકીમાં પાણી નહોતું તેથી શ્વાનનો જીવ બચી ગયો હતો.

