પાળેલા ઢોરોને રખડતા છોડતાં માલિકો સામે કડક કાર્યવાહી કરવા પણ પ્રશાસને આપેલો નિર્દેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12: દમણ નગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયત અને વેટરનરી વિભાગના સહયોગથી દમણમાં રખડતા ઢોરોને પકડવા માટેના હાથ ધરાયેલા અભિયાનમાં લગભગ 70 જેટલા પશુઓને પકડી કચીગામ ગૌશાળા ખાતે રાખવામાં આવ્યા છે.
દમણ નગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયત અને વેટરનરી વિભાગના સહયોગથી તા.10મી એપ્રિલથી 12મી એપ્રિલ સુધી રખડતા ઢોરોને પકડવા શરૂ કરાયેલ ઝૂંબેશ પાછળ પશુઓને સુરક્ષિત આશ્રય અને ખોરાક મળી રહેવાની સાથે માર્ગ અકસ્માત અટકાવવાનો હેતુ હતો. કારણ કે, રખડતા ઢોરોના કારણે દમણમાં અકસ્માતોની સંખ્યામાં પણ વધારો નોંધાયો હતો. જેમાં લોકો અને ઢોર બંને ઘાયલ થવાની અનેક ઘટનાઓ નોંધાઈ છે.
પ્રશાસન દ્વારા ઢોર માલિકોને તેમના પાળેલા ઢોરોને રખડતા નહીં છોડવા કડક નિર્દેશ આપવામાં આવ્યો હતો. પ્રશાસનના નિર્દેશની અવગણના કરનાર ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરવાની પણ ચિમકી અપાઈ છે. રખડતા ઢોરોના ત્રાસમાંથીદમણને મુક્ત કરવા માટે અગામી દિવસોમાં પણ આ અભિયાન ચાલુ રહેનાર હોવાની પણ જાણકારી આપવામાં આવી છે.