(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.13: આઝાદીના 77 વર્ષ પૂર્ણ કરી 78મા વર્ષમાં પ્રવેશ કરી રહેલ સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યો છે. આ વર્ષે સરકારના આદેશ અનુસાર સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવાની હોય દરેક રાજ્ય પોતપોતાની રીતે આઝાદીના ઉત્સવ સપ્તાહ પહેલાથી જ ઉજવી રહ્યા છે.
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રાનું આયોજન પારડી નગરપાલિકા દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું હોય જેના ભાગરૂપે આજરોજ તારીખ 13.8.2024 ના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પારડી કુમાર શાળાના મેદાનથી સાંજે 4:00 વાગે નીકળેલ તિરંગા યાત્રામાં વિવિધ સ્કૂલોના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર.ગઢવી સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાતા આ તિરંગા યાત્રા દીપી ઉઠી હતી. પરંતુ નગરપાલિકા સંચાલિત આ કાર્યક્રમ હોવા છતાં કોંગ્રેસ કે ભાજપના કાર્યકરોની ગેરહાજરી આંખે ઉડીને જોવા મળીહતી. પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સહિત ભાજપ સંગઠન તથા ભાજપ યુવા મોરચાના યુવાનોએ હાજર રહી સહી ઈજ્જત બચાવી હતી.
કુમારશાળાના મેદાનથી નીકળી આ રેલી પારડી ચાર રસ્તા થઈ પોલીસ સ્ટેશન ગૌરવ પથ બિરસા મુંડા સર્કલ થઈ સમગ્ર ગામમાં ફરી દમણીઝાંપા ખાતે પહોંચી પરત કન્યાશાળા મેદાનમાં ફરી હતી.
આ તિરંગા યાત્રા દરમિયાન ભારત માતાકી જય, જય જવાન જય કિસાન, જય વિજ્ઞાન, ભારત કો વિશ્વ ગુરુ બનાના હૈ, વંદે માતરમ જેવા દેશભક્તિના નારા વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવતા સમગ્ર નગરમાં દેશ પ્રેમનું મોજુ ફરી વળ્યું હતું.