દાદરા નગર હવેલીના તમામે તમામ 72 ગામોને સંપૂર્ણ સુકન્યા ગામમાં આવરી લેવા માટે ટપાલ વિભાગને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે આપેલી સૂચના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે આજે સેલવાસના દમણગંગા સરકિટ હાઉસ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો ઉત્સાહપૂર્વક શુભારંભ કર્યો હતો, અને દિકરીની સમૃદ્ધિના પ્રસંગમાં જોડાઈ પોતાને ભાગ્યશાળી હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી જીતેન્દ્ર ગુપ્તા, દક્ષિણ ગુજરાત રિજિયન વડોદરાના પોસ્ટ માસ્ટર જનરલ શ્રીમતી પ્રીતિ અગ્રવાલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિ.પં.ના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દાનહ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્મા, સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર શ્રી મનોજ કુમાર પાંડે, સેલવાસ ન.પા.ના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, દાનહના કલેક્ટર ડો. રાકેશ મિન્હાસઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પોસ્ટલ સર્કલના તમામ ડિવિઝનના આ કાર્યક્રમને ઓનલાઈન પ્રસારિત કરાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પહેલાં સમાજમાં દિકરીના જન્મ સમયે ચિંતા અને ખેદનો ભાવ પ્રગટ થતો હતો. પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી દીર્ઘદૃષ્ટિના કારણે આજે સમગ્ર ભારત વર્ષમાં દિકરીને જોવાની દૃષ્ટિ બદલાઈ ચુકી છે. 2015ના વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના આરંભ સાથે દિકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી સમાજમાં તેમને સ્વમાનભેર જીવવાની તક ઉભી કરી છે.
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે દેશના આગેવાનોને વિનંતી કરતા જણાવ્યું હતું કે, સુકન્યા સમૃદ્ધિ અભિયાનનો સંદેશ સમાજમાં વધુને વધુ પ્રચારિત અને પ્રસારિત કરવામાં આવે અને જરૂરિયાતમંદ દિકરીઓના ખાતા ખોલાવી તેમના જીવનને આર્થિક સધ્ધર કરવામાં આવે.
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે દાદરા નગર હવેલીમાં આવેલ તમામ 72 ગામોને સંપૂર્ણ સુકન્યા ગામમાં આવરી લેવા માટે ટપાલ વિભાગને સૂચના આપવામાં આવી હતી.
પ્રારંભમાં મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે 5 દિકરીઓને સુકન્યા સમૃદ્ધિ ખાતાની પાસબુક આપી હતી અને બે આર.પી.એલ.આઈ./ પી.એલ.આઈ.ના દાવાધારકને દાવાનીરકમની ચૂકવણી કરી તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ વલસાડ પોસ્ટ વિભાગ હેઠળ જાહેર પાંચ સંપૂર્ણ સુકન્યા ગ્રામના બ્રાન્ચ પોસ્ટ માસ્ટરોને સારી કામગીરી કરવા બદલ તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરાયા હતા.