(જી.એન.એસ.) નવી દિલ્હી, તા.૦૧
પેટ્રોલ-ડીઝલ અને LPG કિંમતોમાં વધારાને લઈને કોંગ્રેસ, સરકાર પર સતત નિશાન સાધી રહી છે. પાર્ટીની માગ છે કે સરકાર કેટલાંક કર દૂર કરીને આ પ્રોડક્ટના ભાવ ઓછા કરે. આ પહેલાં રાહુલ ગાંધી પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવો વિરૂદ્ધ સાયકલ ચલાવી સંસદભવન પહોંચ્યા હતા. મોંઘવારી વિરૂદ્ધ વિપક્ષ અનેક વખત રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શનો પણ કર્યા છે. દેશમાં વધી રહેલી મોંઘવારીથી સામાન્ય લોકો પરેશાન છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે LPG સિલિન્ડરના વધતા ભાવ અને ડીઝલ-પેટ્રોલના વધતા ભાવને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે સરકારે ઓઈલની કિંમત વધારીને આમ આદમીના ખિસ્સાને સીધું જ નુકસાન પહોંચાડ્યું છે. રાહુલે કહ્યું કે સરકાર જણાવે છે કે GDP વધી છે. આ GDPનો અર્થ તે નથી જે તમે સમજાે છો, GDPનો અર્થ છે ગેસ, ડીઝલ-પેટ્રોલ અને સરકારે છેલ્લાં ૭ વર્ષમાં આ ત્રણ વસ્તુની કિંમત વધારી દીધી છે. સરકારે આ વસ્તુમાંથી ૨૩ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે પૈસા ક્યાં ગયા. રાહુલ ગાંધીએ કહ્યું કે ૨૦૧૪માં જ્યારે UPAએ ઓફિસ છોડી ત્યારે સિલિન્ડરના ભાવ ૪૧૦ રૂપિયા હતા અને આજે સિલિન્ડરના ભાવ ૮૮૫ રૂપિયા છે. સિલિન્ડરના ભાવમાં ૧૧૬%નો વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં ૨૦૧૪થી ૪૨% અને ડીઝલની કિંમતમાં ૫૫%નો વધારો થયો છે. તેઓએ કહ્યું કે વડાપ્રધાને પહેલાં જ કહ્યું હતું કે ડીમોનેટાઈઝેશન કરી રહ્યો છું અને નાણાં મંત્રી કહે છે કે હું મોનેટાઈઝેશન કરી રહી છું. હકિકતમાં સરકારે ખેડૂતો, મજૂરો, નાના દુકાનદાર, MSME, સેલરીડ ક્લાસ, સરકારી કર્મચારીઓ અને ઈનામદાર ઉદ્યોગપતિઓનું ડીમોનેટાઈઝેશન કર્યું છે. છેલ્લાં ૧૫ દિવસમાં જ બિન-સબસિડીવાળા ન્ઁય્ સિલિન્ડર ૫૦ રૂપિયા મોંઘા થયા છે. આજે જ તેમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલાં પેટ્રોલિયમ કંપનીઓએ ૧૮ ઓગસ્ટે ગેસ સિલિન્ડરની કિંમતોમાં ૨૫ રૂપિયાનો વધારો કર્યો હતો. રાહુલ ગાંધીએ આ મુદ્દે ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે જનતાને ભૂખ્યા પેટે રહેવા પર મજબૂર કરનાર પોતે મિત્ર-છાયામાં આરામ કરી રહ્યાં છે, પરંતુ અન્યાય વિરૂદ્ધ દેશ હવે એકજૂથ થઈ રહ્યો છે.