(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: સૈલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન દ્વારા આગામી તારીખ 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ઋષિકેશ ખાતે ગંગા આરતીનો વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં દેશભરમાંથી અનેક મહાનુભવો ઉપસ્થિત રહેશે.
દેશભરમાં વિવિધ સામાજિક કાર્યો કરી રહેલ રાષ્ટ્રવાદી સંગઠન સૈલ્યુટ તિરંગા દ્વારા 16 સપ્ટેમ્બર 2024 ના રોજ દિલ્હીથી હરિદ્વાર માટે તિરંગાથી સજ્જ કરેલી 500 કારનું પ્રસ્થાન સાંસદ શ્રી મનોજ તિવારી તથા સાંસદ શ્રી અનિલ બલુની જી ના હસ્તે લીલી ઝંડી આપી કરાશે. આ યાત્રા બપોરે 12 કલાકે મેરઠ પહોંચશે ત્યાં સ્વાગત કાર્યક્રમ થશે તે પછી સાંજે 4:30 કલાકે હરિદ્વાર પહોંચી હરિદ્વાર રાયવાલામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરશે.
તારીખ 17 સપ્ટેમ્બર 2024 ના રોજ ઋષિકેશના પરમાર્થ નિકેતનમાં સાંજે ત્રણ કલાકે સન્માન સમારંભ યોજાશે અને ઋષિકેશ ખાતે સાંજે 6:00 કલાકે ગંગા તિરંગા આરતી થશે.
આ પ્રસંગે અતિથિ પદે ઉત્તરાખંડના વન પર્યાવરણ મંત્રી શ્રી સુબોધ બહુગુણા, ઉતરાખંડના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટ, લોકસભા સદસ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, પરમાર્થ નિકેતન ઋષિકેશના શ્રીચિદાનંદ સ્વામી, મહામંડલેશ્વર હરિદ્વાર શ્રી લલિતાનંદગીરી, ગુજરાત રાજ્યના સમાજસેવી અને સૈલ્યુટ તિરંગા રાષ્ટ્રીય સંરક્ષક પૂજ્ય કપિલ સ્વામીજી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સૈલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ ઝા, મહામંત્રી સચ્ચિદાનંદ પોખરીયાલ, ગંગા તિરંગા આરતી સંયોજક અંજના ત્યાગી, ઉતરાખંડના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પાવા, ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ રોમી ચૌધરી, યુવા મોરચા અધ્યક્ષ નવીનકુમાર, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ નંદન ઝા સહિત આગેવાનો જહેમત ઊઠાવી રહ્યા છે.