ઉમરગામના રહેવાસી દિપક સુરેશ સાવંતે પોતાની માતા વનિતાબેનનું કરેલું દેહ દાનઃ સાવંત પરિવાર જગત ગુરૂ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થાનની દેહ દાન સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : નમોમેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ, સેલવાસને શિક્ષણના પ્રયોજન માટે એક ઔર વધુ દેહદાન મળવા પામ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉમરગામના રહેવાસી શ્રી દિપક સુરેશ સાવંતે પોતાની માતા સ્વ. વનિતાબેન સુરેશ સાવંતનું દેહદાન કર્યું છે. પોતાની માતા સ્વ. વનિતાબેનનું અવસાન ગત તા.5મી ઓક્ટોબરના રોજ થયું હતું. તેમણે તા.7મી ઓક્ટોબરે પોતાના પરિવાર તથા સંસ્થાના સભ્યોની ઉપસ્થિતિમાં દેહદાનનું કાર્ય સંપન્ન કર્યું હતું.
અત્રે યાદ રહે કે, જગત ગુરૂ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થાનના જગત ગુરૂ રામાનંદચાર્ય શ્રી સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજ અને પરમપૂજ્ય કનિફનાથ મહારાજના વિચારોથી પ્રભાવિત શ્રીમતી વનિતાબેન સાવંતે પોતાના જીવતે જીવ પહેલાં જ મરણોપરાંત શિક્ષણ માટે પોતાના દેહનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. સંસ્થાના પ્રમુખ વિચાર છે તમે જીવો અને બીજાના જીવનમાં સહાયતા કરો.
જગત ગુરૂ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થાન અનેક સામાજિક સેવાઓમાં પ્રવૃત્ત છે. જેમાં બ્લડ એન્ડ એમ્બ્યુલન્સ સેવા, દેહદાન સેવા વગેરે મુખ્ય છે. સંસ્થાના આ વિચારોના સ્વ. વનિતાબેન અને તેમના પુત્રો પણ સ્વામીજીના વિચારોના પ્રશંસક રહ્યા છે અને તેમના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી દેહદાન કરવાનો નિર્ણય સ્વ. વનિતાબેન સાવંતે લીધો હતો અને આ તેમની અંતિમઈચ્છા પણ હતી.
સ્વ. વનિતાબેન સાવંતના દેહદાન આપવાનું યોગદાન દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્ય વિભાગ તથા નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના ઇતિહાસમાં હંમેશા યાદગાર રહેશે.