દલવાડા તળાવ ઊંડું હોવાના કારણે છઠ્ઠ પૂજા માટે અસુરક્ષિત જાહેર કરાયું: જિલ્લા પ્રશાસન દ્વારા નક્કી કરાયેલા 3 સ્થળો સિવાય અન્ય કોઈ સ્થળોએ જો કોઈપણ પૂજા વિધિ કરશે તો તેમની સામે જિલ્લા વહીવટી તંત્ર ભારે દંડ ફટકારવા સાથે કાયદાકીય કાર્યવાહી પણ કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : આવતી કાલે ઉત્તર ભારતીયો ખાસ કરીને બિહાર -ઝારખંડ અને ઉત્તર પ્રદેશ રાજ્યના લોકોનો મુખ્ય તહેવાર એવા છઠ્ઠ પૂજાની ઉજવણી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કરવામાં આવશે. આ છઠ્ઠ પૂજાની વિધિ માટે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા કેટલાક સ્થળો નક્કી કરાયા છે. જેમાં (1)પરકોટા શેરી બીચ (2) કડૈયા બીચ અને (3) દાભેલ તળાવ. જ્યારે દલવાડા તળાવ ઊંડું હોવાના કારણે અહીં છઠ્ઠ પૂજા માટે અસુરક્ષિત જાહેર કરાયું છે. તેથી પ્રશાસન દ્વારા નક્કી કરાયેલા ત્રણ સ્થળોએ જ ભાવિક ભક્તોએ છઠ્ઠ પૂજાની વિધિ કરવાની રહેશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં આવતી કાલ તા.7મી નવેમ્બરના રોજ બિહાર, ઝારખંડ, યુ.પી. સહિતના ઉત્તર ભારતીય લોકો દ્વારા તેમના મુખ્ય તહેવાર છઠ્ઠ પૂજાની ઉજણવી કરવામાં આવનાર છે. જેને ધ્યાનમાં રાખી દમણ જિલ્લા પ્રશાસને છઠ્ઠ પૂજાવિધિ માટે ત્રણ સ્થળોની ફાળવણી કરવામાં જેમાં (1)પરકોટા શેરી બીચ (2) કડૈયા બીચ અને (3) દાભેલ તળાવ. આ સ્થળોએ જ પૂજા વિધિ કરવાની રહેશે અને જો કોઈ પણ નક્કી કરવામાં આવેલા સ્થળો સિવાય અન્ય કોઈ સ્થળોએ ગયા તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાનું પ્રશાસન દ્વારા જણાવાયું છે. તેથી તમામ નાગરિકોને અનુરોધ છે કે જિલ્લા પ્રશાસન દ્વારા નક્કી કરાયેલા સ્થળોએ જ છઠ્ઠ પૂજા કરે અને નિયમોનું પાલન કરે તથા પૂજા સ્થળો પર કચરો ન ફેલાવે, કચરા માટે ઉપલબ્ધ ડસ્ટબિનનો ઉપયોગ કરે, પાણીમાં પ્લાસ્ટિક, રસાયણ કે અન્ય કોઈપણ પ્રકારની પ્રદૂષક સામગ્રી ન નાંખે, પ્રાકૃતિક સંસાધનોની સુરક્ષા માટે પર્યાવરણ હિતૈષી વિકલ્પોનો પ્રયોગ કરે. નિયમોનું પાલન નહીં કરનારા ઉપર જિલ્લા પ્રશાસન દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાશે અને દંડ પણ ફટકારવામાં આવશે. એમ દમણ જિલ્લા પ્રાદેશિક પ્રચાર અધિકારી શ્રી પ્રિયાંશુ સિંહની એક અખબારી યાદીમાં જણાવાયું છે.