(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે એ જ રીતે ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ સહિતના ઉત્તર-પૂર્વભારતીય લોકો માટે છઠ્ઠ પૂજાનું મહત્ત્વ અલગ છે. તેમની આસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાને લઈને દાનહમાં વહીવટી તંત્ર દ્વારા નદી, નહેર સહિતના વિવિધ સ્થળોએ ઘાટો તૈયાર કરાયા છે. જ્યાં શ્રદ્ધાળુઓ વહીવટી તંત્રની ટીમની નજર હેઠળ પોતાના તહેવાર નિમિત્તે પૂજાવિધિ કરી શકે.
છઠ્ઠ પૂજાવિધિ માટે દાનહ વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલા ઘાટોમાં દાદરા ખાતે દમણગંગા નદી કિનારે, રખોલી ગામે, આંબોલી પંચાયત દ્વારા બિન્દ્રાબિન મંદિર પાછળ સાકરતોડ નદી કિનારે અને ખાનવેલમાં નદી કિનારે ઘાટો તૈયાર કરાયા છે. આ દરમિયાન પ્રશાસનના અધિકારીઓએ નદી કિનારે ઘાટોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન નક્કી કરાયેલા ઘાટો પર સાફ-સફાઈ કરી સ્વચ્છતા રાખવા સહિત વીજળી અને પાણીની વ્યવસ્થા માટે તેમજ દરેક ભાવિકોને છઠ્ઠ પૂજાનો સામાન મળી રહે તેની તકેદારી લીધી હતી.
આ અવસરે દાનહ જિલ્લા પંચાયતના ડી.પી.ઓ. શ્રી પંકજસિંહ પરમાર સહિત એમની ટીમ દ્વારા જવાબદાર અધિકારીઓને દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા.
અત્રે યાદ રહે કે, છઠ્ઠ પૂજા વિધિ સંપન્ન થયા બાદ દરેક ઘાટો ઉપર ગંદકી નહીં રહે તેની તકેદારી પણ પ્રશાસને લેવી ખુબ જરૂરી છે. તેથી પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલા તમામ ઘાટો ઉપરથી પૂજા વિધિ સંપન્ન થયા બાદ તમામ પ્રકારની પૂજાસામગ્રીમાં વપરાયેલી ચીજવસ્તુઓનો યોગ્ય અને વ્યવસ્થિત નિકાલ કરવામાં આવે અને પર્યાવરણની જાળવણી કરવામાં આવે તે ખુબ જરૂરી છે.

