10થી વધુ મુસાફરોને પહોંચેલી ઈજાઃ તમામ ઈજાગ્રસ્તોને ખાનવેલની સબ જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાઃ ચાલકે બસને થોભાવવા ઝાડ સાથે અથડાવી દીધી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીના દૂધની રોડ પર કરચોંડ ગામના ઘાટ અને વળાંકવાળા રસ્તા પર પ્રવાસીઓની એક ખાનગી બસની બ્રેક ફેઈલ થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં બસના ક્લીનરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે 10થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નવસારીની ઓમ સાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર ઞ્થ્-05 હૃહૃ-0357માં 35 જેટલા પ્રવાસીઓને લઈ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દૂધની જેટી તરફ જઈ રહ્યા હતા તે સમયે કરચોંડ ગામ ખાતે ઘાટ ઉપરના વળાંક પર બસની બ્રેક ફેઈલ થઈ જતાં બસના ચાલકે સંતુલન ગુમાવી દીધું હતું. બચાવમાં ચાલકે બસને ઝાડ સાથે અથડાવી દેતા બસ રોકાઈ હતી. જ્યારે બસમાં સવાર મુસાફરોનેબચાવવાના પ્રયાસમાં ચાલકે બસને રસ્તાની બાજુના ઝાડ સાથે અથડાવવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે બસમાંથી ક્લીનર કૂદી પડતાં બસના પાછળના ટાયરમાં આવી જતાં તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
બસમાં ઈજા પામેલા 10 કરતા વધુ મુસાફરોને સારવાર અર્થે સબ જિલ્લા હોસ્પિટલ ખાનવેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ દૂધની પોલીસે હાથ ધરી છે.