(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીના સેલવાસ નજીકના પીપરીયા વિસ્તારમાં આવેલ સ્ટરલાઈટ કંપનીમાંથી મળસ્કે ચાર વાગ્યાના સુમારે કોપર ભરી વેલુગામ સ્ટરલાઈટ કંપનીમાં જઈ રહેલ ટ્રક નંબર જીજે-15-એટી-9502 સેલવાસથી ખાનવેલ રોડ પર સામરવરણી રીંગરોડ બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી, તે સમયે બીજી તરફથી પુરઝડપે આવી રહેલ ટેન્કરની જોરદાર ટક્કર લાગતા પલ્ટી ગઈ હતી. આ અકસ્માતના કારણે ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેમણે પોલીસ તથા એમ્બ્યુલન્સને તાત્કાલિક કોલ કર્યો હતો. જ્યારે ટ્રકના ચાલકને બૂમ મારવાનો પ્રયાસ કરતા કોઈ જ પ્રકારનો જવાબ નહીં આપતા પોલીસ આવી ત્યાં સુધી રાહ જોવાઈ હતી અને ત્યારબાદ પોલીસે આવીનેતપાસ કરતા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.
પોલીસે મૃતક ટ્રક ચાલકના ખિસ્સામાં તપાસ કરતા ઓળખ દસ્તાવેજના આધારે એમની ઓળખ દિલીપભાઈ મોહનભાઈ પટેલ, રહેવાસી- મોટાપોઢા (તાલુકો કપરાડા) થઈ હતી. ત્યારબાદ પોલીસે એમના પરિવારના સભ્યોને ઘટના અંગે જાણ કરી હતી અને મૃત શરીરનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.
જ્યારે અકસ્માત કરનાર ટેન્કરના ચાલકની અટક કરવામાં આવી છે અને ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.