(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : ઉત્તર ભારતીયોના ચાર દિવસીય મહાપર્વ છઠ્ઠ પૂજાનો આજે અસ્તાંચળના સૂર્યને અર્ઘ્ય આપી સમાપનનો આરંભ થયો હતો. આજે દાદરા નગર હવેલીમાં સેલવાસ દમણગંગા રિવર ફ્રન્ટ અને ખાનવેલ, બિન્દ્રાબિન સહિતના સ્થળોએ નદી કિનારે હજારો ઉત્તર ભારતીયો જોડાયા હતા. દાનહના વિવિધ વિસ્તારમાં રહેતા બિહાર, યુ.પી. સહિતના ઉત્તર ભારતીયો જોડાયા હતા.
દાનહમાંમાં છઠ્ઠ વ્રતધારીઓ મોટી સંખ્યામાં પોતાના વાહનોસાથે આવતાં ટ્રાફિક પોલીસને વાહનવ્યવહાર સઘન કરતા ભારે અગવડતાનો પણ સામનો કરવા પડયો હતો. દાનહ જિલ્લા પ્રશાસન અને પોલીસ દ્વારા કોઈપણ છઠ્ઠવ્રતી શ્રદ્ધાળુને અગવડ ન પડે એના માટે કંટ્રોલ રૂમ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સેલવાસ નગરપાલિકા દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
બિહાર અને યુ.પી. વગેરે પ્રદેશના લોકોએ સેલવાસ દમણગંગા નદી કિનારે રિવર ફ્રન્ટ પર ઓલ ઇન્ડિયા પીપલ્સ એસોસિએશન અને ઉત્તર ભારતીય સેવા સંઘ દ્વારા, ડોકમરડી ખાડી કિનારે બિહાર જન સેવા સંઘ દ્વારા, બાવીસા ફળિયા મહાદેવ મંદિર નજીક નદી કિનારે છઠ્ઠ મિથિલ મિત્ર મંડળ દ્વારા છઠ્ઠપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનો, મહિલાઓ, બાળકોએ પૂજામાં ભાગ લીધો હતો અને પોતાના પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે અસ્તાંચળના સૂર્યદેવને પ્રાર્થના કરી હતી.
દાનહની કેટલીક ગ્રામ પંચાયત વિસ્તારોમાં પણ નદી કિનારે અને નહેર કિનારે છઠ્ઠ પૂજા માટે પૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેના કારણે સ્થાનિક ઉત્તર ભારતીય અને બિહારના લોકોને ઘણી રાહત મળી હતી.
બિહાર સહિત ઉત્તર પૂર્વ ભારતના લોકોમાં છઠ્ઠ પૂજાનું ઘણું મહત્ત્વ હોય છે. આ પૂજા ત્રણ દિવસ ચાલે છે. જેમાં સૌભાગ્યવાન મહિલાઓ પોતાનાકુટુંબની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આસ્થા અને શ્રધ્ધા સાથે ઉપવાસ રાખે છે અને પૂજન-અર્ચન કરે છે. કારતક મહિનાના છઠ્ઠના દિને સાંજે આથમતા સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરી નદીના ઘાટ પર પૂજા કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે કારતક સુદ સાતમે ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવે છે.

