મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સૂચિત મુલાકાતના પગલે નમો પથ અને રામસેતૂ બીચ રોડને અભિવાદન માટે શણગારવા બંધ કરાયો હોવાનું અનુમાન
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે મહામહિમ રાષ્ટ્રપતિની મુલાકાતની ક્ષણ ગૌરવાંન્વિત કરનારી રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : આવતી કાલ તા.9મી નવેમ્બરથી 11મી નવેમ્બર સુધી મરામ્મત-રખરખાવ અને સફાઈ માટે નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરથી હોટલ પ્રિન્સેસ પાર્ક સુધીના નમો પથ અને જમ્પોરથી નવા લાઈટ હાઉસ(દીવાદાંડી) સુધીના રામસેતૂ બીચ અવર-જવર માટે બંધ રાખવાનો નિર્દેશ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂની પ્રસ્તાવિત દમણ મુલાકાતના પગલે અગમચેતીના ભાગરૂપે આ બંને માર્ગો અવર-જવર માટે બંધ કરી બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતીદ્રૌપદી મુર્મૂ જમ્પોર ખાતે નિર્મિત અદ્યતન એવીઅરી(પક્ષીઘર) તથા નમો પથની મુલાકાત લેવાના હોવાનું જાણવા મળે છે. તેથી આ બંને રસ્તાઓની સાફ-સફાઈ તથા મરામ્મત કરી તેને રાષ્ટ્રપતિના સ્વાગત માટે તૈયાર કરાઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂની મુલાકાતની ક્ષણ ગૌરવાંન્વિત કરનારી રહેશે.