વર્ષો સુધી કોંગ્રેસના ગઢ રહેલા દાભેલમાં પોતાની આવડતથી 2014થી બાકોરૂં પાડવા સફળ રહેલા વિમલ પટેલે હાલમાં 2024ની ચૂંટણીમાં પણ મોટાભાગના સ્થાનિક લોકોએ કરેલી દગાખોરી છતાં પરપ્રાંતવાસીઓને ભાજપની તરફેણમાં જાળવી રાખવા ભજવેલી સફળ ભૂમિકા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે વિચાર-વિમર્શ કર્યા બાદ દમણ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે શ્રી વિમલભાઈ પટેલની નિમણૂક ભાજપ સંગઠન પર્વ- 2024 માટે કરવામાં આવી છે.
દમણ જિલ્લામાં તેજતર્રાર યુવા નેતા તરીકે પોતાની ઓળખ ઉભી કરી રહેલા શ્રી વિમલભાઈ પટેલને દમણ જિલ્લા સંગઠન પર્વ-2024ના ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાતા જિલ્લામાં ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શ્રી વિમલભાઈ પટેલ 2014-2020 થી દાભેલ મંડળના પ્રમુખ અને હાલમાં દમણ જિલ્લાના મહામંત્રી તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે.
અત્રે યાદ રહેકે, દમણ અને દીવમાં દાભેલ ગ્રામ પંચાયત વિસ્તારને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતો હતો. તેમાં સફળતાપૂર્વક બાકોરૂં પાડી ભાજપનો જનાધાર વધારવા શ્રી વિમલભાઈ પટેલે પોતાની તમામ આવડતનો ઉપયોગ કર્યો હતો. જેનું પરિણામ પણ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું અને હાલમાં 2024માં પણ મોટાભાગના સ્થાનિક લોકોએ કરેલી દગાખોરી છતાં પરપ્રાંતવાસીઓને ભાજપની તરફેણમાં જાળવી રાખવા સફળ રહ્યા હતા.