(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: ગોડથલ ગામે વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઇ પટેલના હસ્તે પીએમજનમન યોજના અંતર્ગત ઝાડી ફળીયા પ્રાથમિક શાળાના કેમ્પસમાં 3.09 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સરદાર વલ્લભભાઈ પટેલ કુમાર છાત્રાલય, ખરેરા નદી પર 2.90 કરોડ રૂપિયાના ખર્ચે નવો પુલ તથા પટેલ ફળીયા મુખ્ય પ્રાથમિક શાળામાં 1.49 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર પાંચ ઓરડાના બાંધકામ સહિતના 7.48 કરોડ રૂપિયાના વિકાસના કામોનો પ્રારંભ જિલ્લા પંચાયતના બાંધકામ અધ્યક્ષ બાલુભાઈ પાડવી તાલુકા પ્રમુખ શાસક પક્ષના નેતા અશ્વિન દેસાઈ, પ્રદેશ ભાજપના આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ પીયૂષભાઈ, સરપંચ જશવંતભાઈ સહિત ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં કરાવતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
આ પૂર્વે લોકસભાના દંડક ધવલભાઈ પટેલનું ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે સ્વાગત કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન યોજાયેલા કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિતોને આવકારતા સરપંચ જશવંતભાઈએ જણાવ્યું હતું કે ગોડથલ ગામે ખરેરા નદી પરના લો-લેવલ બ્રિજના કારણે ચોમાસામાં અનેકવાર આફત સર્જાતી હતી. જેથી નવા પુલના નિર્માણ માટે અમારી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, સાંસદ ધવલભાઇ સહિત નાને રજૂઆત બાદ તેમના દ્વારા નવો પુલ મંજુર કરાવવામાં આવ્યો છે. ત્યારે ગોડથલ ઉપરાંત અંબાચ, સારવણી, માંડવખડક, ઢોલુમ્બર,ધોડવણી સહિતના આજુબાજુના 15 થી 20 ગામોના લોકોને મોટી રાહત થશે.
આ પ્રસંગે લોકસભાના દંડક ધવલભાઈ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિકોને સંબોધતા જણાવ્યું હતું કે કોરચા, કોટવાળીયા સહિતના આદિમજૂથના સર્વાંગી વિકાસ માટે પીએમ જનમન યોજના લાવનાર નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રથમ વડાપ્રધાન હશે જેમણે આદિમજૂથના લોકો માટે ચિંતા કરી છે. અને તેમના માટે બનાવેલ યોજના અંતર્ગત ગોડથલ ગામે આદિમજૂથના વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સગવડ સાથેની વિશાળ છાત્રાલયનું નિર્માણ થશે છેવાડાના લોકોને રસ્તા પુલ, આરોગ્ય, શિક્ષણ, પાણી સહિતની સુવિધા પૂરી પાડવા માટે ભાજપ સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. સાથે ધવલ પટેલે કામમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય તો જાણ કરવા અનુરોધ કર્યો હતો. 7.48 કરોડના વિકાસના કામોની ભેટ માટે બાંધકામ અધ્યક્ષ બાલુભાઈ પાડવીએ ધારાસભ્ય નરેશભાઈ અને સાંસદ ધવલ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.