(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.28: સુરત પલસાણાથી ડમ્પર નંબર જીજે-21-ડબલ્યુ-2238 નો ચાલક શિવરામ બુધરામ ઉરાવ રહે.મગદલ્લા સુરતનાઓ કોલસા ભરી વાપી અજિત પેપર મિલ ખાતે ખાલી કરવા મંગળવારના રોજ નીકળ્યો હતો. ત્યારે ત્રણેક વાગ્યે પારડી મોતીવાડા નેશનલ હાઈવેના બ્રિજ પહેલા આ ડમ્પર આગળ ચાલતી એક મારુતિ વાનના ચાલકે અચાનક બ્રેક મારતાં ડમ્પર ચાલકે મારુતિ વાનને બચાવવામાં કાબૂ ગુમાવ્યો હતો અને ડમ્પર હાઈવેના ડીવાઈડર પર ચઢી ધડાકાભેર પલટી મારી ગયું હતું. સદનસીબે આ અકસ્માતમાં ચાલકનો બચાવ થયો હતો. પરંતુ હાઈવેના બંને ટ્રેક પર કોલસાઓ વિખેરાતા અન્ય અકસ્માત થવાની ભીતિ સર્જાઈ હતી. ત્યારે આ બાબતની જાણ પારડી પોલીસ તેમજ હાઈવે પેટ્રોલિંગ વાનના કર્મચારીઓને થતા તેવો પણ દોડી આવ્યા હતા અને અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતા પોલીસે તે હળવો કરવાની મથામણ હાથ ધરી હતી જ્યારે બીજી તરફ હાઈવે પેટ્રોલિંગ વાનના કર્મચારીએ તાત્કાલિક મજૂરો લઈ આવી વિખેરાયેલા કોલસા સાઇડે કરવાની કામગીરી હાથ ધરી હતી.